ખાસ-ખબર સંવાદદાતા
હેકરે શાંઘાઇ પોલીસના એક ડેટાબેઝમાંથી ચીનના એક અબજ નાગરિકોનો ડેટા પ્રાપ્ત કરવાનો દાવો કર્યો છે. જો આ હેકરનો દાવો સાચો સાબિત થશે તો આ અત્યાર સુધીની ડેટા ચોરીની સૌથી મોટી ઘટનાઓમાં પૈકીની એક ગણાશે.
ઓનલાઇન હેકિંગ ફોરમ બ્રીચ ફોરમે ગત સપ્તાહમાં એક પોસ્ટમાં ચાઇનાડેન નામના હેન્ડલનો ઉપયોગ કરીને લગભગ 24 ટેરાબાઇટ ડેટા વેચવાની ઓફર કરી હતી. તેણે દાવો કર્યો હતો કે આ માહિતી ચીનના એક અબજ લોકો સાથે સંકળાયેલી છે અને બે લાખ ડોલરની કીંમતના 10 બિટકોઇન સાથે જોડાયેલી છે.
ડેટામાં કથિત રીતે શાંઘાઇ રાષ્ટ્રીય પોલીસની માહિતી છે જેમાંલોકોનાં નામ, સરનામુ, રાષ્ટ્રીય ઓળખ નંબર અને મોબાઇલ ફોન નંબર તથા કેસની વિગતો સામેલ છે.
- Advertisement -
આ ડેટા લીક અંગે વેઇબો જેવા ચીનના સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા ચાલી રહી છે. ચીનના સોશિયલ મીડિયામાં લોકોને સચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. આ દરમિયાન હોંગકોંગ સ્થિત સિક્યુરિટી કંપની નેટવર્ક બોક્સના મેનેજિંગ ડાયરેક્ટર માઇકલ ગેઝેલીએ જણાવ્યું છે કે આવા પ્રકારના ડેટા લીક એક સામાન્ય વાત બની ગઇ છે. હાલમાં ડાર્ક વેબ પર 12 અબજ કોમ્પ્રોમાઇઝ્ડ ખાતાઓ પોસ્ટ કરવામાં આવ્યા છે.