વાલી, શૈક્ષણિક સંસ્થા અને પોલીસની ભૂમિકા અગત્યની બનશે
શું ખાખીથી લઈ ખાદીવાળા પણ કપલ પાર્લરની મજા લે છે?
રાજકોટમાં એનીટાઈમ આઈસ્ક્રીમ, ઈટ એન્ડ જોય, સન્માન, કોઝી કાફે સહિતનાં કપલ પાર્લર બેરોકટોક ધમધમી રહ્યાં છે
રાજકોટમાં ધમધમતાં કપલ કેબિન પાર્લરોનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…
https://www.youtube.com/watch?v=U6uEKHkUF5o
તાજેતરમાં સુરતના પાસોદરા ગામની બનેલી ઘટનાને લઈને સુરતમાં કપલ બોક્સ બંધ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. માત્ર સુરત જ નહીં પરંતુ દરેક મેટ્રો સીટીમાં કપલ બોક્સ, કપલ પાર્લર જાહેરમાં ધમધમે છે જ્યાં વિદ્યાર્થીઓથી માંડીને ખાખી અને ખાદી વર્દીવાળાઓ આ કપલ પાર્લરમાં જતાં હોય છે. શાળા કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ કે જે ભણવાની ઉંમરમાં આવા કપલ પાર્લરમાં જતા હોય છે જે સમાજમાં લાંછનરૂપ છે. આવા કપલ પાર્લર દરેક પોલીસવાળાઓના ધ્યાનમાં હોય છે છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી અને બને છે અંતમાં સુરત જેવી ઘટનાઓ. આ ઉપરાંત એક કલાકના રૂા. 100થી માંડીને 200 રૂપિયા કપલ પાસેથી વસૂલવામાં આવતા હોય છે. રાજકોટમાં વોકહાર્ટની સામે આવેલ એનીટાઈમ આઈસ્ક્રીમ પાર્લર પરંતુ અંદર આઈસ્ક્રીમની એક ડબ્બી પણ જોવા મળતી નથી. જાહેરમાં થતાં ગોરખધંધા પર રાજકોટ પોલીસની નજર કેમ પડતી નથી તે એક પ્રશ્ર્ન છે. શું હપ્તા ઉઘરાવવા માટે કે પછી કોઈ અન્ય દબાણ હોય શકે છે.
- Advertisement -
વાર દેખ યાર બદલતે મા કે લાડલે બિગડ ગયે…
સભ્ય સમાજની મર્યાદાઓ નેવે મૂકી થતી અસભ્ય પ્રવૃત્તિઓ
સભ્ય સમાજની મર્યાદાઓ નેવે મૂકી થતી અસભ્ય પ્રવૃત્તિઓ
ભણવાની અને કારકિર્દી બનાવવાની ઉંમરમાં પ્રેમલા-પ્રેમલીની રમત રમતા રોમિયો-રાણીથી પોતાના સંતાનો કેમ બચાવી શકાય? શૈક્ષણિક સંસ્થા વિદ્યાર્થીઓને ઈશ્કનાં અવળે રસ્તે જતા કેમ અટકાવી શકે? કે પછી પોલીસ પારદર્શક કામગીરી કરી છોકરાઓને ફસાવતી છોકરીઓ અને છોકરીઓને ફસાવતા છોકરાઓને ક્યારે સફાયો બોલાવશે? બગીચાઓ, મોલ્સ, સિનેમાહાઉસમાં કે અન્ય જાહેર જગ્યાઓ પર કઢંગી કળા કરતા કપલ્સ આપણી સંસ્કૃતિ અને સભ્યતાને શરમનાક સ્થિતિમાં મૂકી રહ્યા છે એ સમયે નવી પેઢીને યુવાનીમાં મહોબ્બતની જગ્યાએ મહેનત કરવાની શીખ આપવામાં વાલી, શૈક્ષણિક સંસ્થા અને પોલીસની ભૂમિકા અગત્યની બનશે.
- Advertisement -
કેબિન પાર્લર પછી કપલ ફ્રેન્ડલી હોટેલમાં ચાલતા ગોરખધંધા પર કાયવાહી થશે?
જે રીતે પાર્લરમાં યુગલોને એકાંતમાં સમય ગાળવા માટે કેબિન પૂરી પાડવામાં આવે છે તે રીતે હોટેલમાં રૂમ ફાળવવામાં આવે છે. રાજકોટમાં જૂના એસ.ટી. બસ સ્ટેન્ડની પાછળનાં અને સામેનાં ભાગમાં, ત્રિકોણબાગ પાસે, લાખાજીરાજ રોડ, આલ્ફ્રેડ હાઈસ્કૂલ પાસે.. વગેરેથી ઘણી બધી હોટેલ કપલ ફ્રેન્ડલી થઈ ગઈ છે. જ્યાં લોકલ છોકરા-છોકરીઓનાં અલગ-અલગ આઈડી પર કલાકોનાં ભાવ પર રૂમ આપવામાં આવે છે. આ સિવાય અમૂક હોટેલમાં જો તમે એકલા હોવ તો પૈસા આપતા મનગમતું પાત્ર પણ પૂરું પાડવામાં આવે છે. થોડા વધુ પૈસા આપો તો રૂપલલના સાથે શરાબ પણ મળી રહે. આ બધું જ પોલીસ-પ્રસાશનની જાણમાં હોવા છતાં આજ સુધી કોઈ કાયદેસરનાં પગલા લેવામાં આવ્યા નથી. કેબિન પાર્લર પછી કપલ ફ્રેન્ડલી હોટેલમાં ચાલતા ગોરખધંધા પર હપ્તાનાં દાવે પોલીસ કાર્યવાહી થશે કે કેમ એ ચર્ચાઈ રહ્યું છે.
શાળા-કોલેજો નજીક પ્રણયફાગ ખેલવા યુવક-યુવતીઓને કેબિનમાં બેસવાની જગ્યા પૂરી પાડતાં કેબિન પાર્લર એક નહીં અનેક
રાજકોટમાં કાલાવડ રોડ પર કણસાગરા કોલેજ પાસે, વોકહાર્ટ હોસ્પિટલ સામે, આત્મીય કોલેજની સામે, યુનિવર્સીટી રોડ પર ઇન્દિરા સર્કલ પહેલા, સાધુ વાસવાણી રોડ પર અને ત્રિકોણબાગ પાસેનાં ખાદીભવનની લાઈનમાં.. વગેરે કેટલીક જગ્યાઓએ પ્રેમી યુગલોને અંગત પળો માણવા માટે કેબીનની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આવા કેબીન પાર્લરમાં સંચાલકો દ્વારા એકાંતની પળો માણવાની સગવડ આપવાના બદલામાં યુવકો પાસેથી મોટી રકમ પડાવવામાં આવે છે. સાયબર કાફે, આઈસ્ક્રીમ પાર્લર કે સ્નેકબારનાં ધંધાનાં ઓઠા હેઠળ ચાલતી આવી કેબીનમાં યુગલો છાનગપતિયા અને શારીરિક અડપલા કરવા જાય છે. આ પ્રકારની કેબીનમાં આડશો રાખી કલાકો સુધી એકાંતની સુવિધાઓ અપાઈ છે. જેથી યુવાધનને બીભત્સ ચેનચાળા કરવાની ચસ ચડે છે અને વારંવાર તેઓ મનગમતા-અવનવા પાત્ર સાથે કેબીનમાં જઈ વાસનાઓ સંતોષે છે. શહેરમાં અનેક સ્થળે ખૂણે-ખાંચરે આવા પાર્લર ચાલતા હોવા છતાં એક જ સ્થળે પોલીસના દરોડાથી અનેક સવાલો પણ લોકોમાં ચર્ચાવા લાગ્યા છે. શૈક્ષણિક સંસ્થાઓ નજીક પ્રણયફાગ ખેલતા યુવક-યુવતીઓને કેબિનમાં બેસવાની જગ્યા પૂરી પાડતા કેબીન પાર્લર એક નહીં અનેક છે જે બધા પર પોલીસ ક્યારે તવાઈ બોલાવશે એ જોવું રહ્યું.
રાજકોટમાં ક્યા વિસ્તારમાં ક્યાં-ક્યાં કપલ કેબિનો?
- કાલાવડ રોડ ઉપર
- સાધુવાસવાણી રોડ પર
- આત્મીય કોલેજ પાસે
- વોકહાર્ટ હોસ્પિટલ પાસે
- ચૌધરી સ્કૂલ પાસે
- કણસાગરા કોલેજ પાસે
- ખાદી ભવનથી જ્યુબિલી જતાં રસ્તે વન-વેમાં
સભ્ય સમાજ માટે લાંછનરૂપ યુવા હરકતો : જવાબદાર કોણ?
વહેલી સવારે ઘરેથી નીકળી દીકરા-દીકરીઓ શાળા-કોલેજે જાય છે. શાળા-કોલેજ કે ક્લાસમાંથી ઘર પરત આવતા મોડું થાય તો પોતાના સંતાન મિત્ર કે બહેનપણી ત્યાં વાંચન-લેખન કરતા હશે. બની શકે એકસ્ટ્રા ક્લાસ હશે આવું દરેક વાલીઓ માનતા હોય છે. દિવસ-રાત કામમાં વ્યસ્ત રહેતા માતા-પિતાઓને ખબર નથી હોતી કે તેમના વાલીડાઓ તો ભણવાની જગ્યા કેબિનોમાં વહાલ કરવા ભરાઈ બેઠા હોય છે. વિદ્યાર્થી શાળા, કોલેજ કે ક્લાસમાં ન આવે એટલે શિક્ષકો એવું વિચારી લે છે કે, વિદ્યાર્થીઓ પારિવારિક જવાબદારી કારણે ભણવા આવી શક્યા નહીં હોય. જ્યારે યુવાનીનાં ઉંબરે પહોચેલા યુવા હૈયા તો પ્રેમી-પાત્ર સાથે બધું ભૂલી જીવવા-મરવાનાં કોલ આપવામાં મસ્ત હોય છે. અને પોલીસ આવા વેવલાઓને જાહેરમાં બીભત્સ ચેનચાળા કરતા અટકાવે ત્યારે કેટલાંક મોર્ડન કલ્ચરનાં હિમાયતીઓ જેમ ચાલતું હોય તેમ ચાલવા દેવા તેમજ વાર જોઈ યાર બદલાતા યુવાઓને પ્રોત્સાહન આપે છે. આખરે આ બધા પાછળ જવાબદાર કોણ છે? શું માતા-પિતા કડક વલણ દાખવાની જરૂર છે? શું શૈક્ષણિક સંસ્થાઓએ આગળ આવવાની જરૂર છે? કે પછી પોલીસે કડક કાર્યવાહી કરી દાખલો બેસાડવાની જરૂર છે? વગેરે વગરે અનેક સવાલો વચ્ચે હાલ પૂરતું દરેક વાલીઓ અને શૈક્ષણિક સંસ્થાઓએ યુવાનોની દરેક બાબતની જાણકારી રાખવાની જરૂર છે.