સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના મંત્રી આ વખતે કરશે અનોખું ગુરુપૂજન
28 વર્ષથી હાર્મોનિયમ અને ગાયનની તાલીમ આપનાર મુસ્લિમ ગુરુનું હિન્દુ શિષ્ય કરશે પૂજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
કલા એ છે જે મુક્તિ તરફ લઈ જાય છે, જેવા સૂત્ર સાથે કાર્ય કરતી અખિલ ભારતીય કલા સંસ્થા સંસ્કાર ભારતીની રાજકોટ જિલ્લા સમિતિ દ્વારા બે એવા કલાગુરુઓનું સન્માન કરવામાં આવશે જે પ્રસિદ્ધિની ખેવના રાખ્યા વિના વિદ્યાર્થીઓને સંગીતની તાલીમ આપી છે. સંસ્કાર ભારતીના સભ્યો આ બંને કલા ગુરુઓનું અક્ષત કુમકુમ તિલક, સાકરનો પડો અને પ્રશસ્તિ પત્ર આપીને વિશેષ સન્માન અને પૂજન કરશે.
આ વર્ષે થશે અનોખું ગુરુપૂજન જેમાં સંસ્થાના લોકો નાત જાતના ભેદભાવ કર્યા વગર કરશે ગુરુપૂજન. ગુરુ એ ગુરુ જ કહેવાય તેમાં એમની જાતી જોવામાં આવતી નથી. તેથી આ વર્ષે અનવરભાઈ હાજી કે જેઓએ રાષ્ટ્રીય શાળામાં 28 વર્ષ સુધી હાર્મોનિયમ અને ગાયનની તાલીમ અનેક વિદ્યાર્થીઓને આપી છે. ઉપરાંત વર્ષો સુધી શામજી વેલજી વિરાણી હાઈસ્કૂલમાં પણ સંગીત શિક્ષક તરીકે કાર્યરત હતા.
ગીત સંગીતની પોતાની સુદીર્ઘ કારકિર્દીમાં તેમણે અનેક વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે. તેઓ હાલમાં મોહમ્મદ રફીના ગીતો અને વન મેન શો દ્વારા જાણીતા છે અને ખૂબ સારા વાંસળીવાદક તથા હાર્મોનિયમ અને ઓર્ગન પ્લેયર છે. તેમનું ગુરુવારે સવારે 10 વાગ્યે તેમના નિવાસ્થાને જઈ સંસ્થાના ગુજરાત પ્રાંતના સેક્રેટરી મનિષ પારેખ ગુરુપૂજન કરશે.
- Advertisement -
અન્ય ગુરુપૂજનમાં અનોખી પ્રતિભા ધરાવતા નિમિષાબેન પારેખ ગાયન, સિતાર અને તબલા ત્રણેય કલામાં વિશારદ છે કે જેમને હિરાણી કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટસમાંથી તબલામાં એમપીએની ડિગ્રી મેળવી છે તથા રાષ્ટ્રીય શાળામાં 15 વર્ષ સુધી તબલા સંગત કરી છે અને છેલ્લા પાંચ વર્ષથી સિતાર શિક્ષક તરીકે કાર્યરત છે. તેમનું બુધવારે સાંજે 7 કલાકે રાષ્ટ્રીય શાળાના સંગીત વિભાગમાં રાજકોટના કલાકારો વતી ગુરુપૂજન કરવામાં આવશે.
રામકૃષ્ણ આશ્રમમાં સ્વામી નિખિલેશ્ર્વરાનંદજી ગુરુ મહિમા પર પ્રવચન આપશે
રામકૃષ્ણ આશ્રમમાં હોમ હવન ભજન કીર્તન સહિત સ્વામી નિખિલેશ્વરાનંદજીના પ્રવચન વડે ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરાશે
રામકૃષ્ણ આશ્રમ દ્વારા ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુરુવારને 10 જુલાઈના રોજ સવારે કાર્યક્રમની શરૂઆત 5 વાગ્યે મંગલ આરતી અને વેદ પાઠ સાથે કરવામાં આવશે. ત્યારબાદ 7 વાગ્યે વિશેષ પૂજા, 8:30 વાગ્યે ભજન અને 10:30 વાગ્યે હોમ અને પુષ્પાંજલિ તેમજ 11:30 વાગ્યે સ્વામી નિખિલેશ્વરાનંદજીનું ’ગુરુ મહિમા’ વિષયક પ્રવચન આપશે. બપોરે 12 વાગ્યે ભોગ, આરતી બાદ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ છે. સાંજના કાર્યક્રમમાં 6:30 વાગ્યે રામકૃષ્ણનામ સંકીર્તન અને 7:30 વાગ્યે ભજન-કીર્તન સાથે સંધ્યા આરતી કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું લાઇવ પ્રસારણ ઉપલબ્ધ રહેશે. રામકૃષ્ણ પરમહંસના સર્વે અનુયાયીઓ આ દિવસે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાનો ભાવ પ્રગટ કરશે.