વિલિયમસનનાં 57 રન, પૂરણના 18 બોલમાં અણનમ 34 : 163ના ટાર્ગેટને હૈદરાબાદે 19.1 ઓવરમાં બે વિકેટ ગુમાવીને પાર પાડયો
બોલરોના પ્રભાવક દેખાવ બાદ વિલિયમસનના 57 તેમજ અભિષેક શર્માના 42 અને પૂરણના 18 બોલમાં 34*ની મદદથી હૈદરાબાદે ગુજરાત ટાઈટન્સની સતત ત્રણ વિજયની કૂચનો અંત આણતા આઠ વિકેટથી જીત હાંસલ કરી હતી. જીતવા માટેના 163ના ટાર્ગેટને હૈદરાબાદે 19.1 ઓવરમાં બે વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. આખરી ઓવરમાં જીતવા માટે 1 રનની જરુર હતી, ત્યારે પૂરણે નાલકંડેના પહેલા જ બોલે સિક્સર ફટકારતાં હૈદરાબાદને ચોથી મેચમાં બીજો વિજય અપાવ્યો હતો. ગુજરાતનો આઇપીએલમાં ચોથી મેચમાં સૌપ્રથમ પરાજય હતો.
- Advertisement -
કેપ્ટન વિલિયમસને 46 બોલમાં બે ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 57 રન ફટકાર્યા હતા. તેણે અને અભિષેકે (42) 53 બોલમાં 64 રન જોડયા હતા. ત્રિપાઠી 11 બોલમાં 17 રને રિટાયર્ડ હર્ટ થયો હતો. આખરે પૂરણ અને માર્કરામે 18 બોલમાં અણનમ 39 રનની ભાગીદારી કરતાં ટીમને જીતાડી હતી.
હૈદરાબાદની અસરકારક બોલિંગને પરિણામે ગુજરાત ટાઈટન્સની ટીમ આઇપીએલ ટી-20માં સાત વિકેટે 162 રન સુધી પહોંચી શકી હતી. કેપ્ટન હાર્દિક પંડયાએ 42 બોલમાં અણનમ 50 રન નોંધાવતા ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી હતી. અભિનવ મુકુંદે પણ 21 બોલમાં 35 રન કર્યા હતા.