2019માં ગુજરાતમાં 13 બેઠકો પર 15 હજારથી વધુ ’ગઘઝઅ’ વોટ, આદિવાસી બેઠકો પર નોટા વોટનું પ્રમાણ વધુ
દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, બારડોલી બેઠક પર નોટા મત વધુ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.26
2019 લોકસભા ચૂંટણીમાં NOTA (NON OF THE ABOVE) વોટ આપવામાં ગુજરાત દેશમાં પાંચમા ક્રમાંકે છે. રાજ્યમાં થયેલા કુલ મતદાનમાંથી 1.38 ટકા એટલે 4 લાખ મત નોટા બટન પર પડ્યા હતા. દેશમાં બિહારમાં સૌથી વધુ 8.16 લાખ મત નોટા વિકલ્પને ગયા હતા. 2019 ચૂંટણીમાં ગુજરાતમાં 13 બેઠકો એવી હતી કે જ્યાં 15 હજારથી વધુ મતદારોની પસંદ નોટા હતું.
ગુજરાતમાં દરેક બેઠક પર સરેરાશ 13થી 14 ઉમેદવાર હોય છે છતાં ગત બંને લોકસભા ચૂંટણીમાં 26માંથી 17-17 બેઠકો પર નોટા વિકલ્પ ત્રીજા ક્રમે રહ્યો હતો. બંને ચૂંટણીમાં કુલ 8.55 લાખ મતદારોની પસંદ નોટા રહ્યું છે. ગુજરાતમાં આદિવાસી વસતિ ધરાવતી લોકસભા બેઠકો દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વલસાડ અને બારડોલી પર નોટા મતોનું પ્રમાણ વધુ રહ્યું છે. 2014માં દાહોદ અને 2019માં છોટા ઉદેપુર બેઠક પર સૌથી વધુ 32-32 હજાર વોટ નોટાને મળ્યા હતા. 2019માં દેશમાં 65.22 લાખ લોકોએ નોટા વિકલ્પ પસંદ કર્યો હતો.
- Advertisement -
2019 લોકસભા ચૂંટણીમાં 5 બેઠકો પર કોંગ્રેસ અને નોટાનું મતોનું અંતર 5 હજારથી ઓછું હતું. મહેસાણામાં 2555, રાજકોટમાં 2930, વલસાડમાં 3948, અમદાવાદ પશ્ચિમમાં 4691 અને સુરતમાં 4797 મતોનું અંતર કોંગ્રેસ અને નોટા મતો વચ્ચે હતું. 2014માં પણ જૂનાગઢ (348), મહેસાણા (1849), પાટણ (2161), અમદાવાદ પૂર્વ (3009), દાહોદ (3347), અમરેલી (3623) અને પોરબંદર (4263)માં કોંગ્રેસ અને નોટા વચ્ચેનું અંતર 5 હજારથી ઓછું હતું. 2014 અને 2019 બંનેમાં 17 એવી બેઠકો હતી કે જ્યાં ‘નોટા વોટ’ ત્રીજા ક્રમે રહ્યું હતું.
2014 અને 2019 બંને લોકસભા ચૂંટણીમાં દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, વલસાડ, બારડોલી, ખેડા, અમરેલી, રાજકોટ, આણંદ, વડોદરા, પાટણ અને મહેસાણા બેઠકો પર ‘નોટા વોટ’નું પ્રમાણ ઉમેદવારોની સરખામણીએ ત્રીજા ક્રમે રહ્યું છે. આ 12 બેઠકો પર 2014માં કુલ નોટા વોટના 55%થી વધુ એટલે 2.50 લાખ અને 2019માં 61% એટલે કે 2.44 લાખ મત નોટા બટન પર પડ્યા છે. નોંધનીય છે આ 12માંથી 5 બેઠકો દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વલસાડ અને બારડોલી આદિવાસી એટલે કે અનુસૂચિત જનજાતિ પ્રાધાન્ય ધરાવતી લોકસભા બેઠકો છે.