સુરતમાં ભાજપના ધારાસભ્યોને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરતા અમિત શાહે ગુજરાતની જીતને ઐતિહાસિક ગણાવી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત ભાજપનો ગઢ હતો, છે અને રહેશે. આ શબ્દો સાથે ગૃહપ્રધાન અમિત શાહ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર વરસ્યા. સુરતમાં ભાજપના ધારાસભ્યોને અભિનંદન પાઠવવાનો કાર્યક્રમ યોજાયો. જેમાં વીડિયો કોન્ફરન્સથી સંબોધન કરતા અમિત શાહે ગુજરાતની જીતને ઐતિહાસિક ગણાવી. તેમણે કહ્યું કે, ગુજરાતની જીત દેશભરના કાર્યકરોમાં નવો ઉત્સાહ ભરનારી છે.
આ જીત આગામી ચૂંટણીઓ અને 2024 ની લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે સકારાત્મક ઊર્જા ભરનારી જીત છે. તેમણે નામ લીધા વિના આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, ગુજરાતમાં નવી પાર્ટીઓ આવી. મોટા-મોટા વાયદા કર્યા. અનેક ગેરંટીઓ પણ આપી. તેમ છતાં જ્યારે પરિણામો આવ્યા ત્યારે બધાના સૂપડા સાફ થઈ ગયા. તેમણે કહ્યું કે જીતનો આ રેકોર્ડ ભવિષ્યમાં તોડવો મુશ્કેલ છે.
તો બીજી તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વિરોધીઓ પર વરસ્યા હતા. અને કહ્યું કે, આઝાદી પછી નવ સીટ એવી હતી જે ભાજપને ક્યારેય ન હતી મળી તે સીટ પર પણ ભાજપે જીત મેળવી છે. ઝઘડીયામાં છોટું વસાવાનો ત્રાસ ખતમ કર્યો છે.
અમરેલીમાં કોંગ્રેસના આગેવાન અને વિરોધ પક્ષના પૂર્વ નેતાને પણ મોટા માર્જીનથી હરાવ્યા છે. તો બીજી તરફ દિલ્લીથી એક મહાઠગ આવતો હતો. તેના પર લોકોએ વિશ્વાસ નથી કર્યો. તે લોકો કેટલીક સીટ પર બીજા નંબરે આવ્યા કારણ કે તે સીટ પર કોંગ્રેસ વીક હતી. તો વધુમાં કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસ લંગડી થઇ ગઈ છે. મહત્વનું છે કે, આ કાર્યક્રમ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વર્ચ્યુઅલી જોડાયા હતા.