સ્વાઇન ફ્લૂના કેસ ચોમાસામાં વધાવાની શક્યતા
ગુજરાતમાં છેલ્લા 6 વર્ષમાં સ્વાઇન ફ્લૂના 9376 કેસ નોંધાયા અને 324ના મૃત્યુ થયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ચોમાસાની સીઝનના પ્રારંભ સાથે જ ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના કેસમાં પણ વધારો થાય તેવી દહેશત છે. આ વર્ષે સ્વાઇન ફ્લૂના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત ચોથા સ્થાને છે. ગુજરાતમાં આ વર્ષે મે સુધી સ્વાઇન ફ્લૂના કુલ 105 કેસ નોંધાયા છે જ્યારે 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે.
હવે ચોમાસાની ભેજવાળી મોસમમાં સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થાય તેવી આશંકા છે. સામાન્ય રીતે ભેજવાળી મોસમ અને શિયાળા દરમિયાન જ સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો જોવા મળતો હોય છે. આ વર્ષે મે સુધી સ્વાઇન ફ્લૂના સૌથી કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં તામિલનાડુ 805 સાથે મોખરે, મહારાષ્ટ્ર 615 સાથે બીજા, કેરળ 228 સાથે ત્રીજા, ગુજરાત ચોથા અને રાજસ્થાન 44 સાથે પાંચમાં સ્થાને છે. સમગ્ર દેશમાં આ વર્ષે એપ્રિલ સુધી સ્વાઇન ફ્લૂના કુલ 1995 કેસ નોંધાયા છે જ્યારે 26 વ્યક્તિના મૃત્યુ થયા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના 2018માં 2164 કેસ-97 મૃત્યુ, 2019માં 4844 કેસ-151 મૃત્યુ, 2020માં 55 કેસ-2 મૃત્યુ, 2021માં 33 કેસ-2 મૃત્યુ, 2022માં 2174 કેસ-71 મૃત્યુ નોંધાયા હતા. આમ, 6 વર્ષમાં સ્વાઇન ફ્લૂથી કુલ 324 વ્યક્તિના મૃત્યુ થયા છે.