બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ્રેશનથી રાજકોટ સહિત રાજ્યમાં ધૂપ-છાવનું વાતાવરણ
ખાસ-ખબર સંવાદદાતા
બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ્રેશનથી રાજકોટ સહિત રાજ્યમાં ધૂપ-છાવનું વાતાવરણ રહ્યું હતું. બીજા દિવસે પણ શહેરમાં પ્રતિ કલાક 13થી 14 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. શનિવારથી ગરમી ફરી 40 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. રાજકોટમાં મંગળવારે મહત્તમ તાપમાન 38.8 ડિગ્રી અને લઘુતમ તાપમાન 22.7 ડિગ્રી નોંધાયું હતું. જો કે, પવનની ઝડપ વધતા ગરમીમાં થોડી રાહત મળી હતી.જ્યારે અમદાવાદમાં વહેલી સવારથી બપોરના 1 વાગ્યા સુધી વાદળિયા વાતાવરણ વચ્ચે 13થી 14 કિલોમીટરની ગતિના ઠંડા પવનો ચાલુ રહ્યાં હતા.
અમદાવાદનું મહત્તમ તાપમાન 38.9 ડિગ્રી લઘુતમ તાપમાન 22.6 ડિગ્રી નોંધાયું હતું. આગામી ત્રણ દિવસો દરમિયાન અમદાવાદમાં તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત છે. પરંતુ, 25 માર્ચ બાદ ફરીથી ગરમીમાં બે ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.
- Advertisement -
ઠંડા પવનો અને વાદળિયા વાતાવરણથી રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીથી રાહત રહી હતી. કંડલા એરપોર્ટ, કેશોદ અને ભાવનગરને બાદ કરતાં તમામ શહેરોમાં ગરમીનો પારો 39 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. આગામી બેથી ત્રણ દિવસો દરમિયાન રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ સાથે ઠંડા પવનો ચાલુ રહેતાં ગરમીથી રાહત રહેશે. ત્યારબાદ ક્રમશ રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો વધવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.