મૃત્યુ અને ઇજાઓનો ગુનો નોંધી સેશન્સ કોર્ટે જામીન અરજી રદ્દ કરી હતી; બચાવ પક્ષની દલીલો અને કાયદાકીય મુદ્દાઓને ધ્યાનમાં લઈને હાઇકોર્ટનો સીમાચિહ્નરૂપ શરતી જામીન મુક્ત કરવાનો હુકમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે તા. 16/04/25 ના રોજ બનેલા ગમખ્વાર બસ અકસ્માત કેસમાં આરોપી બસ ચાલક શિશુપાલસિંહ દીલુભા રાણાને નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા શરતી જામીન પર મુક્ત કરવાનો મહત્વપૂર્ણ હુકમ કરવામાં આવ્યો છે.
સદરહું બનાવમાં ફરિયાદી રવિરાજસિંહ રાણાભાઈ ગીડાએ એવી ફરિયાદ નોંધાવી હતી કે, બસના ચાલકે સિગ્નલ ખુલ્યા બાદ આગળ ધીમે ચાલતા વાહનો વચ્ચે બેદરકારી અને પૂરઝડપે બસ ચલાવી ફરિયાદીના ભાઈ સહિત અન્ય લોકોને પાછળથી ટક્કર મારી 100 ફૂટ દૂર સુધી ઢસડીને લઈ ગયા હતા, જેના કારણે અનેક લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને ઘણાને ઈજાઓ થઈ હતી. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા બસ ચાલક વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 105, 125(એ), 125(બી), 281, 324(5) તથા એમ.વી. એક્ટની કલમ 5, 177, 181, 184 મુજબનો ગંભીર ગુન્હો નોંધી ચાર્જશીટ કરવામાં આવી હતી.અગાઉ આરોપી શિશુપાલસિંહ રાણાએ કરેલી રેગ્યુલર જામીન અરજીને નામદાર સેશન્સ અદાલત દ્વારા રદ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપી દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી.
આરોપીના બચાવપક્ષે દલીલ કરી હતી કે આરોપી નિર્દોષ છે, તેણે બેફિકરાઈથી વાહન ચલાવ્યું નથી અને તેને ખોટી રીતે કેસમાં ફસાવવામાં આવ્યો છે. વળી, ચાર્જશીટમાં તે બસ ચલાવતા હોય તેવો કોઈ પુરાવો મળી આવતો નથી અને પોલીસ દ્વારા લગાવવામાં આવેલી કલમો મુજબ ગુનો બનતો નથી. બચાવપક્ષની દલીલો, પોલીસ તપાસના કાગળો તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ, નામદાર ગુજરાત હાઈકોર્ટે શિશુપાલસિંહ દીલુભા રાણાને શરતી જામીન પર મુક્ત કરવા હુકમ ફરમાવ્યો છે.
આ કેસમાં આરોપી તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ દીપેનભાઈ દવે તથા રાજકોટના ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી સહિતના યુવા એડવોકેટ્સની ટીમે દલીલો કરી હતી.