બાયો ટેક. ફિલ્ડમાં ઉદ્યોગકારોને આગળ આવી રોજગારી સર્જન સાથે દેશના જીડીપીમાં યોગદાન આપવા સાંસદ રામભાઈ મોકરિયાનું આહવાન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન દ્વારા આજે રાજકોટમાં રિજનલ બાયોટેકનોલોજી પોલિસી કોન્કલેવ યોજવામાં આવી હતી. જેમાં રાજકોટના ઉદ્યોગ જગતના અગ્રણીઓ, શિક્ષણવિદો, સંશોધકો, વૈજ્ઞાનિકો વગેરે જોડાયા હતા અને બાયો ટેકનોલોજી ક્ષેત્રના વ્યાપ, અવસરો અને પડકારો અંગે મંથન કર્યું હતું. જેમાં ગુજરાત સરકારની રિજનલ બાયો ટેકનોલોજી પોલિસી રાજકોટના ઉદ્યોગકારો માટે “સુવર્ણ અવસર” સમાન ગણાવાઈ હતી. આ કોન્કલેવમાં બાયો ટેક ફિલ્ડની ઉજ્જવળ તકો અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કોન્કલેવના આરંભે સાંસદ રામભાઈ મોકરિયાએ કહ્યું હતું કે, રાજકોટમાં ઉત્પાદિત થતા એન્જિનિયરિંગ ગુડ્સ વિશ્વના દેશમાં પહોંચી રહ્યા છે, ત્યારે બાયો ટેક્નોલોજી ફિલ્ડમાં પણ રાજકોટના ઉદ્યોગકારોને આગળ આવવા અને રોજગારી સર્જન સાથે દેશના જીડીપીમાં યોગદાન આપવા તેમણે આહવાન કર્યું હતું.
જ્યારે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ કહ્યું હતું કે, બાયો ટેકનોલોજી ફિલ્ડનું ભવિષ્ય ખૂબ સારું છે અને તેમાં પુષ્કળ તકો છે. જો કે આ અંગે રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો અજાણ છે. આથી ઉદ્યોગકારો આ પોલિસીને જાણીને આ ક્ષેત્રમાં આગળ વધીને દેશના વિકાસમાં યોગદાન આપે તે જરૂરી છે.