ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે શાહે અચાનક રાજીનામું ધરી દેતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. જોકે, હાલમાં તેમનું રાજીનામું સ્વીકારવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. એટલે કે એ.જે શાહનું રાજીનામું સ્વીકારવાની અરજી હાલ પેન્ડિંગ છે.
નિવૃત્તિ બાદ અપાયું હતું એક્સેટેન્શન
નિવૃત્ત IAS અધિકારી એ.જે. શાહ શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે છેલ્લા કેટલાય વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે અને ચોખ્ખી છાપ ધરાવે છે. એ.જે શાહ 2016-17માં ઉચ્ચ શિક્ષણ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા અને તેમની પાસે શિક્ષણ બોર્ડનો ચાર્જ પણ હતો. જે બાદ તેઓ નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ બાદ પણ તેમને એક્સટેન્શન આપીને બોર્ડના ચેરમેન તરીકે ચાલુ રાખવામાં આવ્યા હતા.
- Advertisement -
પાંચમું એક્સટેન્શન પૂર્ણ થયા પહેલા રાજીનામું
તેમને પાંચમું એક્સટેન્શન મળ્યા બાદ તેમણે અચાનક રાજીનામું ધરી દેતા શિક્ષણ આલમમાં ભારે ચર્ચા ઉઠી છે. એ.જે શાહ લાંબા સમય સુધી બોર્ડના ચેરમેન રહ્યા બાદ પાંચમું એક્સટેન્શન પૂર્ણ થાય તે પહેલા જ તેમણે અચાનક રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.
હજુ સુધી રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી
સૂત્રોના જણાવ્યા અનુસાર, નિવૃત્ત IAS અધિકારી એ.જે. શાહે પારિવારિક કારણ આપી રાજીનામું આપી દીધું છે. સરકાર દ્વારા હજુ સુધી રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી. સંભવત આગામી થોડાક સમયમાં તેમનું રાજીનામું મંજૂર કરી દેવામાં આવશે. જે બાદ શિક્ષણ બોર્ડમાં નવા ચેરમેનની નિમણૂક થશે.