મહિલાઓમાં 6 ટકા તથા મેદસ્વી પુરૂષોમાં 8 ટકાનો વધારો : અતિ કુપોષિતની ટકાવારી પણ ચાર ટકા વધી
ખાસ-ખબર સંવાદદાતા
ઔદ્યોગિક વિકાસ તથા સમૃધ્ધિમાં અગ્રેસર ગુજરાતના નાગરિકો માનવ વિકાસ સુચકાંકમાં પાછળ છે. કારણ કે ગુજરાતમાં કુપોષિત તથા મેદસ્વી લોકોની સંખ્યામાં મોટી વૃધ્ધિ થઈ રહી છે. રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેના રીપોર્ટ પ્રમાણે પાંચ વર્ષથી નીચેના 11 ટકા બાળકોનું વજન ઉંચાઈની સરખામણીએ ઓછુ છે જે સંખ્યા 14 વર્ષ અગાઉ 2005-06 માં માત્ર 7 ટકા હતી. અતિ કુપોષિતની ટકાવારી પણ ચાર ટકા વધી છે. એનેમીયાથી પીડીત બાળકોની સંખ્યામાં પણ 10 ટકાનો વધારો છે.છેલ્લા 14 વર્ષમાં આ વૃધ્ધિ નોંધાઈ છે.
- Advertisement -
કુપોષિતની જેમ મેદસ્વીતાનું ચિત્ર પણ ચિંતાજનક હોવાનું રીપોર્ટમાં જણાવાયું છે. મેદસ્વી ઉપરાંત હાઈપર ટેન્શન તથા બ્લડ સુગરથી પીડાતા લોકોની સંખ્યામાં વૃદ્ધિ થઈ છ,.14 વર્ષના સમયગાળામાં મેદસ્વી બાળકોની ટકાવારી બે ટકાથી વધીને ચાર ટકાની થઈ છે. જયારે મહિલાઓમાં 6 ટકા તથા મેદસ્વી પુરૂષોમાં 8 ટકાનો વધારો નોંધાયો છે. આઘાતજનક બાબત એ છે કે લાઈફસ્ટાઈલ આધારીત બ્લડસુગર તથા હાઈપરટેન્શન જેવા રોગ શહેરોથી આગળ વધીને ગામડાનાં નાગરીકોમાં પણ દેખાવા લાગ્યા છે. ડાંગ, તાપી, ભરૂચ, પોરબંદર જેવા જીલ્લાઓમાં કેસો નોંધાયા છે. સરકારી તબીબી નિષ્ણાંતોના કહેવા પ્રમાણે આરોગ્ય સબંધી જોઈન્ટ એકશન પ્લાન ઘડવા માટે આ સર્વે રીપોર્ટ મહત્વનો પુરવાર થઈ શકે તેમ છે.