રાજકોટમાં 2.26 લાખ હેક્ટર, દ્વારકામાં 2 લાખ હેક્ટર, જૂનાગઢ 1.92 લાખ હેક્ટર અને અમરેલીમાં 1.50 લાખ હેક્ટરમાં વાવેતર
વધુ વરસાદથી મગફળીનો પાક ધોવાઈ જવાની ભીતિ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું નિયત સમય પર શરૂ થઈ જતા ખેડૂતોએ સમયસર વાવણી કરી દેતા ખરીફ વાવેતર પણ સારું થયું છે. દરમિયાન સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ સામાન્ય કરતાં વધુ વરસાદ પડતા મગફળીના પાકમાં ધોવાણ થવાની ભીતિ ઊભી થઈ છે. આ ચોમાસા દરમિયાન સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસ્યો છે અને આ બધા વિસ્તારોમાં મગફળીનું વાવેતર વધુ થાય છે. કૃષિ વિભાગના આંકડા પ્રમાણે ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 12.53 લાખ હેક્ટર વાવેતર સૌરાષ્ટ્રમાં થયું છે.
ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ્સ એન્ડ ઓઇલ સીડ્સ એસોસિયેશને રાજ્ય સરકારને પત્ર લખી વરસાદના કારણે મગફળીના પાકને વ્યાપક નુકસાન જવાની સંભાવના દર્શાવી છે. ધોવાણ થયેલા વિસ્તારોમાં મગફળીનું ઉત્પાદન ઓછું થઈ શકે છે. દિવાળી બાદ શિયાળુ પાકનું વાવેતર પણ થઈ શકે છે. મગફળીનું વાવેતર ઘટશે તો તેની સીધી અસર નવી સિઝનમાં સિંગતેલના ભાવ પર પણ પડી શકે છે. આ સ્થિતિને નિવારવા સરકારે જ્યાં પણ વાવેતર નિષ્ફળ ગયું છે, ત્યાં મગફળીનું બિયારણ પહોંચાડવું જોઇએ તેવું અમારું સૂચન છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, પોરબંદર, દ્વારકા, ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો છે.
આ વિસ્તારમાં પરંપરાગત રીતે મગફળીનું વાવેતર સૌથી વધુ થાય છે. જુલાઈ મહિના દરમિયાન આ જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ બની છે. જેના કારણે મગફળીના પાકમાં ધોવાણ થવાની દહેશત ખેડૂતો સેવી રહ્યા છે. મહત્વનું છે કે, આ વખતે સૌરાષ્ટ્રમાં 12.53 લાખ હેક્ટરમાં મગફળીની વાવણી થઇ છે. તેમાંથી રાજકોટમાં 2.26 લાખ હેક્ટર, દ્વારકામાં 2 લાખ હેક્ટર, જૂનાગઢ 1.92 લાખ હેક્ટર અને અમરેલીમાં 1.50 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે.
- Advertisement -
સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ક્યાં કેટલી મગફળીનું વાવેતર
રાજકોટ – 2,26,100 હેક્ટર
દ્વારિકા – 2,08,500 હેક્ટર
જૂનાગઢ – 1,91,700 હેક્ટર
અમરેલી – 1,51,500 હેક્ટર
સુરેન્દ્રનગર – 24,700 હેક્ટર
મોરબી – 56,500 હેક્ટર
પોરબંદર – 74,300 હેક્ટર
જામનગર – 1,43,400 હેક્ટર
ભાવનગર – 96,900 હેક્ટર
બોટાદ – 6,100 હેક્ટર
ગીર સોમનાથ – 77,800 હેક્ટર