ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કપાસમાં 80% અને મગફળીમાં 77% વાવેતર પૂર્ણ
હવે થોડો સમય વરસાદ ન આવે તો પણ પાકને કોઈ જ નુકસાન નહીં થાય
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સમયસર શરુ થયું છે અને અત્યાર સુધીમાં વરસાદ પણ સારો આવ્યો છે. આના કારણે રાજ્યના બે મુખ્ય ખરીફ પાક મગફળી અને કપાસનું વાવેતર ગત વર્ષના કુલ વાવેતરની લગોલગ પહોચવા આવ્યું છે. કૃષિ વિભાગના આંકડા પ્રમાણે કપાસમાં ગત વર્ષના કુલ વાવેતરના 80% અને મગફળીમાં 78% વાવેતર પૂર્ણ થયું છે.
સામાન્ય રીતે જુલાઈના અંતે અથવા ઓગસ્ટની શરૂૂમાં જે વાવેતર જોવા મળે છે તે પ્રોગ્રેસ જુલાઈના પહેલા સપ્તાહમાંજ જોવા મળી રહી છે. ગત વર્ષના સમાનગાળામાં એટલે કે જુલાઈ 2022ની સરખામણીએ ઓવરઓલ વાવેતર 33% જેટલું વધ્યું છે. ગુજરાતના કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું કે, જુલાઈની શરૂૂમાં આટલા મોટા પ્રમાણમાં વાવેતર થતું નથી. વિતેલા અમુક વર્ષોમાં તો આવું જોવા મળ્યું નથી. રાજ્યમાં જૂનના અંતે અથવા જુલાઈની શરૂૂઆતમાં સારો વરસાદ પડતો હોય છે અને ત્યારબાદ જ ખેડૂતો વાવણીની ઝડપ વધારે છે.
આ વર્ષે પાણીની સ્થિતિ સારી છે અને હવામાન પણ ફેવરેબલ છે તેના કારણે કપાસ, મગફળી, તલ, મગ, મઠ, અડદ, સોયાબીન સહિતના પાકમાં વાવેતરની પ્રોગ્રેસ સારી છે. કૃષિ વિભાગના જણાવ્યા મુજબ 3 જુલાઈ 2023 સુધીમાં ગુજરાતમાં 40.46 લાખ હેકટરમાં વાવણી થઇ છે. ગત વર્ષે આ સમયે 30.20 લાખ હેકટરમાં વાવેતર થયું હતું. મુખ્ય પાકોમાં કપાસનું વાવેતર ગત વર્ષ કરતા 30% વધી 20.25 લાખ હેક્ટર થયું છે. તેવી જ રીતે મગફળીમાં વાવણી 10.14 લાખ હેક્ટરથી વધી 13.28 લાખ હેક્ટર પર પહોચી છે. તલનું વાવેતર 189% વધીને16869 હેક્ટર થયું છે. સોયાબીનમાં વાવેતર વિસ્તાર 90% વધીને 1.53 લાખ હેક્ટર નોંધાયું છે.
- Advertisement -
વાવેતરની પ્રોગ્રેસ પર વેપારીઓએ જણાવ્યું હતું કે, કપાસ અને મગફળીમાં ભાવ સારા મળ્યા હોવાથી ખેડૂતો આ બંને પાક વધુ લઇ રહ્યા છે. આ ઉપરાંત પાણી અને હવામાનની સ્થિતિ અનુકૂળ જણાઈ રહી છે. તે જોતા ગત વર્ષની તુલનાએ ગુજરાતમાં આ બંને પાકનો વાવેતર વિસ્તાર વધી જશે. કૃષિ વિભાગના અધિકારીના કહેવા પ્રમાણે, ગુજરાતમાં ઓગસ્ટના અંત સુધી વાવેતર થતું હોય છે અને ત્યારબાદ તે ધીમું પડે છે. આ વર્ષે પાણી હોવાથી વરસાદ ખેચાય તો પણ ખેડૂતોને મુશ્ર્કેલી આવશે નહીં.