વરસાદી પાણીથી ખેતરો તળાવમાં ફેરવાતા ખેડૂતોમાં ચિંતાનું મોજું!
ખેતરોમાં ગોઠણડૂબ પાણી ભરાતાં ચોમાસું પાક પર તોળાતો ખતરો!
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં જૂન મહિનામાં સમયસર મેઘરાજાનું આગમન થયું હતું જો કે છૂટોછવાયો જ વરસાદ થતાં વાવણી થઈ શકી ન હતી અને જુલાઈ મહિનામાં જીલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોના જીવમાં જીવ આવ્યો અને હરખ સાથે ખેડૂતોએ વાવણી કરી હતી તો મોરબી માળીયા પંથકમાં સતત વરસાદના લીધે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે અને ગામડાઓમાં ખેતરો તળાવોમાં ફેરવાઈ ગયા છે. મોરબી તાલુકામાં મોસમનો કુલ વરસાદ 146 ટકાએ પહોંચી ગયો છે જેના લીધે ખેડૂતોના મોલ બળી જવાની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણીથી તળાવમાં ફેરવાઈ ગયેલા ખેતરોથી ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે અને હવે લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરી રહ્યા છે. મોરબી તાલુકામાં આ વર્ષે સતત વરસાદ ચાલુ રહ્યો છે. અત્યાર સુધીમાં મોરબી તાલુકામાં 728 મીમી વરસાદ વરસી ચુક્યો છે જે છેલ્લા પાંચ વર્ષની સરેરાશથી ખુબ વધુ છે. અત્યાર સુધીમાં સીઝનનો કુલ વરસાદ 146 ટકા નોંધાઈ ચુક્યો છે ત્યારે ખાસ કરીને મોરબી તાલુકાના આમરણ ચોવીસી, માણેકવાડા, બગથળા, મોટી વાવડી સહિતના અનેક ગામ ઉપરાંત આસપાસના ગામ અને માળીયા પંથકના અનેક ગામમાં સામાન્ય કરતા વધુ વરસાદ થવાના કારણે ખેતરમાં હજુ પણ ગોઠણડૂબ ભરાયા છે.
જયારે મોરબીના ખેવાળીયા, નારણકા, ગોરખીજડીયા, વનાળીયા સહિતના ગામોમાં ભારે વરસાદથી ખેડૂતોના ઉભો પાકમાં વરસાદી પાણીનો ભરાવો થતા અનેક ગામમાં પાકની વૃદ્ધિ અટકી જાય તેવી સંભાવના વધી છે તો ઘણા ગામના ખેતરના ઉભા પાક પાણી સાથે ધોવાઈ ગયા છે. ખેડૂતો અને સરપંચો સાથે ’ખાસ-ખબર’ દ્વારા વાત કરવામાં આવતા ખેડૂતોએ પોતાની સ્થિતિ દયનીય હોવાની વ્યથા વર્ણવી હતી. આ પંથકના લગભગ તમામ ગામડાઓમાં ખેતરો જળમગ્ન બન્યા છે. હજારોનો ખર્ચ કરી મોલ ઉગાડનાર ખેડૂતો માટે મુશ્કેલી ઉભી થઈ છે અને પાક સતત પાણીમાં રહેવાના લીધે બળી રહ્યા છે જેથી હવે ખેડૂતોમાં લીલા દુષ્કાળની જાહેરાત કરી સહાયની માંગ ઉઠી છે.