પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન મેગા કેમ્પનો લાભ લેવા અનુરોધ કરતાં ધારાસભ્ય ઉદય કાનગડ
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભા 68 રાજકોટ (પૂર્વ)ના ધારાસભ્ય ઉદય કાનગડની એક યાદીમાં જણાવાયું હતું કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ગરીબો, પીડિતો, વંચિતો, યુવાઓ, મહિલાઓ, બાળકો માટે અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને દેશ સતત વિકાસના પંથે અગ્રેસર થયો છે ત્યારે યુવાનોમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન મળે તે માટે પ્રધાનમંત્રી વિશ્ર્વકર્મા કૌશલ્ય વિકાસ યોજના થકી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા સર્વે સમાજના કાર્યકરોની સુખાકારીને ધ્યાનમાં રાખીને અર્થવ્યવસ્થાના કામદારો, કારીગરો કે જેઓ તેમના હાથ અને સાધનોથી કામ કરે છે. આ પરંપરાગત કારીગરો અને હસ્તકલા કારીગરો માટે તા. 12 જાન્યુઆરીના શુક્રવારના રોજ અટલબિહારી બાજપાયી ઓડિટોરિયમ, સેટેલાઈટ ચોક, પેડક રોડ ખાતે સવારે 8-00થી બપોરે 1-00 દરમિયાન પ્રધાનમંત્રી વિશ્ર્વકર્મા કૌશલ સન્માન યોજના માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં ઉદય કાનગડએ જણાવ્યું કે પી.એમ. વિશ્ર્વકર્મા યોજના દ્વારા વિશ્ર્વકર્મા સમુદાય નીચે આવતી તમામ 140 કરતાં વધુ જેવી કે કડિયા, કુંભાર, ભારદ્વાજ, લુહાર, સુથાર, મોચી વિગેરે જ્ઞાતિને આ યોજના દ્વારા લાભ આપવામાં આવશે. આ યોજના નીચે આવતી તાલીમ મેળવીને સ્ટાઈપેન્ડ પ્રાપ્ત થતું હોવાથી યોજનામાં પાત્રતા ધરાવતાં સમાજના લોકોની આર્થિક સ્થિતિ પણ સદ્ધર થશે. તાલીમ મેળવ્યા બાદ લાભાર્થીને રોજગારની નવી તકોના અવસર પ્રદાન થશે. કારીગરોને તાલીમ દરમિયાન સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. આ યોજનામાં 18 ટ્રેડનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં દરજી, ધોબી, ઢીંગલી અને રમકડાંની બનાવટ (પરંપરાગત, વણંદ (નાઈ), શિલ્પકાર- મૂર્તિકાર- પથ્થરની કામગીરી કરનાર, ફૂલોની માળા બનાવનાર, કુંભાર, કડિયા, લુહાર, સુથાર, મોચી, સોની, બાસ્કેટ-મેટ- સાવરણી બનાવનાર, બખ્તર બનાવનાર (આર્મરર), બોટ બનાવનાર, માછલી પકડવાની જાળી બનાવનાર, હથોડી અને ટુલકીટ બનાવનાર, તાળા રીપેર કરનારનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં આ યોજનાની પાત્રતા હાથ વડે કામગીરી કરતાં તમામ કારીગરો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ લાભ કુટુંબદીઠ એક સભ્ય સુધી મર્યાદિત રહેશે. લાભાર્થીની લઘુત્તમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. અરજદારે છેલ્લાં પાંચ વર્ષ સ્વરોજગાર- વ્યાવસાયિક વિકાસ માટે પીએમઈજીપી અને પ્રધાનમંત્રી સ્વનિધિ અંતર્ગત ધિરાણ યોજના હેઠળ લોન લીધેલી ન હોવી જોઈએ તેમજ મુદ્રા અને પ્રધાનમંત્રી સ્વનિધિના લાભાર્થીઓ કે જેમણે તેમની લોનની ચૂકવણી કરી દીધી હોય તેઓ પ્રધાનમંત્રી વિશ્ર્વકર્મા યોજના હેઠળ લાભ મેળવી શકશે. સરકારી નોકરી કરતી વ્યક્તિ અને તેના પરિવારના સભ્યો પાત્ર રહેશે નહીં.
આ યોજના અંતર્ગત લાભાર્થીઓનું સફળ ઓનલાઈન રજિસ્ટ્રેશન થયે મળવાપાત્ર લાભમાં લાભાર્થીઓને પીએમ વિશ્ર્વકર્મા સર્ટિફીકેટ અને આઈડી કાર્ડ આપવામાં આવશે તેમજ રૂા. 15000ની ટુલકીટનો લાભ આપવામાં આવશે. લાભાર્થીઓને દૈનિક રૂા. 500ના સ્ટાઈપેન્ડ સાથે બેઝીક કૌશલ્ય તાલીમ આપવામાં આવશે. બેઝીક કૌશલ્ય તાલીમ બાદ લાભાર્થીને 18 મહિનાની મુદત સાથે રૂા. 1 લાખ સુધીની કોલટરલ ફ્રી લોન મેળવવાપાત્ર બનશે. લાભાર્થી બેઝીક કૌશલ્ય તાલીમ પૂર્ણ કર્યા બાદ દરરોજ રૂા. 500 સ્ટાઈપેન્ડ સાથે એડવાન્સ કૌશલ્ય તાલીમ મેળવી શકે છે. જે કુશળ લાભાર્થીઓ સ્ટાન્ડર્ડ લોન એકાઉન્ટ જાળવશે અને જેમણે ડિજિટલ વ્યવહારો અપનાવ્યા છે અથવા એડવાન્સ કૌશલ્ય તાલીમ લીધી છે તેઓ 30 મહિનાના સમયગાળા સાથે રૂા. 2 લાખ સુધીની બીજી લોન મેળવવાને પાત્ર બનશે. ગુણવત્તા પ્રમાણપત્ર, બ્રાઈન્ડીંગ, ઈ-કોમર્સ અને જીઈએમ પ્લેટફોર્મ પર ઓન બોડીંગ, જાહેરાત, પ્રચાર અને અન્ય પ્રવૃત્તિઓના સ્વરૂપમાં માર્કેટીંગ સપોર્ટ આપવામાં આવશે.
આ મેગા કેમ્પમાં અધ્યક્ષ તરીકે કર્ણાટકના પૂર્વગવર્નર વજુભાઈ વાળા, મેગા કેમ્પના ઉદ્ઘાટક તરીકે પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ મયંકભાઈ નાયક, અતિથિવિશેષ તરીકે મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ડો. માધવ દવે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે ત્યારે તા. 12 ને શુક્રવારના રોજ અટલબિહારી બાજપાયી ઓડિટોરિયમ, સેટેલાઈટ ચોક, પેડક રોડ ખાતે સવારે 8-00થી બપોરે 1-00 દરમિયાન પ્રધાનમંત્રી વિશ્ર્વકર્મા કૌશલ સન્માન માટે મેગા કેમ્પમાં જરૂરિયાતમંદોને લાભ લેવા 68-રાજકોટ (પૂર્વ)ના ધારાસભ્ય ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિન મોલિયા તેમજ વિધાનસભા-68 રાજકોટ (પૂર્વ) પરિવારએ જાહેર અનુરોધ કર્યો છે.
અંતમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ પ્રધાનમંત્રી વિશ્ર્વકર્મા કૌશલ સન્માન યોજનાનો લાભ લેવા માટે રજિસ્ટ્રેશન પહેલાં અરજદારના આધારકાર્ડમાં પાછળની સાઈડ સરનામા પહેલાં (કેરઓફ) દીકરા-દીકરીના કિસ્સામાં પિતાનું નામ અને પત્નીના કિસ્સામાં પતિનું નામ જરૂરી હોવું ફરજિયાત હોય, મેગા કેમ્પનો લાભ લેવા ઈચ્છુક તમામ અરજદારોએ 24 કલાક પહેલાં આધારકાર્ડમાં જરૂરી સુધારા કરાવી લેવા ખાસ નોંધ કરવામાં આવી છે.