ગિરનાર પર્વત પર 8.7 ડિગ્રી વચ્ચે દત્તાત્રેય જયંતિની ભવ્ય ઉજવણી
કમંડળ કુંડ જગ્યામાં મહાદત્તયાગના આહૂતિઓથી ગુંજી ઉઠ્યું ગિરનારનું શિખર: દત્ત મહારાજની ભવ્ય પાલખીયાત્રા, જૂનાખાડા ખાતે શાસ્ત્રોક્ત પૂજન-અર્ચન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
હિન્દુ ધર્મમાં અતિ પાવન ગણાતી માગશર મહિનાની પૂર્ણિમાના દિવસે ભગવાન દત્તાત્રેયની જયંતિની આજે ગિરનાર પર્વત સ્થિત તેમના અક્ષય નિવાસ સ્થાન દત્તાત્રેય શિખર પર પરંપરાગત ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન દિવસે પૂજા, મહાયજ્ઞ અને મહાપ્રસાદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. ભગવાન દત્તાત્રેયના પ્રાગટ્ય દિવસ નિમિત્તે દત્ત શિખર પર બિરાજમાન ગુરુદત્ત ભગવાનની ચરણ પાદુકાની વિશેષ આરાધના કરવામાં આવી હતી. વહેલી સવારે બ્રહ્મમુહૂર્તમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ ચરણ પાદુકાનો રાજોપચાર મહાપૂજા અને મહાભિષેક કરવામાં આવ્યો હતો. આ પૂજામાં ભાગ લેવા માટે રાત્રે જ મોટી સંખ્યામાં ભક્તોએ ગિરનારના પગથિયાં ચડવાનું શરૂ કરી દીધું હતું. પૂજન-અર્ચન બાદ સમગ્ર વાતાવરણ ગુરુ દત્તાત્રેયના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. દત્તાત્રેય શિખરથી થોડે નીચે, જે જગ્યાને ભગવાન દત્તાત્રેયે પોતાનું કમંડળ ફેંકીને કુંડ બનાવ્યો હતો તે કમંડળ કુંડ ખાતે દત્ત જયંતિના પર્વ પર મહાદત્તયાગ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પૌરાણિક માન્યતા મુજબ, આ કુંડનું જળ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. મહાદત્તયાગમાં આહૂતિ આપીને ભક્તોએ પોતાના જીવનની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. યજ્ઞના ધુમાડા અને મંત્રોચ્ચારથી ગિરનારનું વાતાવરણ વધુ ભક્તિમય બની ગયું હતું. કમંડળ કુંડની જગ્યાનું એક વિશેષ મહત્ત્વ એ પણ છે કે અહીં આ સદીનું સૌથી પ્રાચીન અન્નક્ષેત્ર કાર્યરત છે. આ અન્નક્ષેત્ર આજ દિવસ સુધી એક પણ દિવસ બંધ રહ્યું નથી અને દિવસ-રાત અવિરતપણે કાર્યરત રહીને શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતોને ભોજન પીરસે છે. દત્તાત્રેય જયંતિના પાવન દિવસે, કમંડળ કુંડ ખાતે હજારોની સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ ભગવાન દત્તાત્રેયના મહાપ્રસાદનો લાભ લીધો હતો. ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યા બાદ ભગવાન દત્તાત્રેયની ચરણ પાદુકાના દર્શન કર્યા હતા અને વિશેષ સાધના તેમજ ધ્યાન કર્યું હતું. ગુરુ દત્તાત્રેય પીઠના પીઠાધીશ મહંત મહેશગીરી બાપુએ દત્ત જયંતિના આ પાવન દિવસે તમામ ઉપસ્થિત ભક્તોને આશીર્વાદ આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભગવાન દત્તાત્રેયની આરાધનાનો મુખ્ય હેતુ ’સર્વે જન સુખાય, સર્વે જન હિતાય’ એટલે કે તમામ લોકોનું કલ્યાણ થાય અને સુખ પ્રાપ્ત થાય તે છે. તેમણે આશીર્વચન આપતા સૌનું જીવન સુખમય અને શાંતિમય બને તેવી કામના કરી હતી.
ભવનાથ તળેટીમાં ગુરુદત્ત જયંતિએ પાલખીયાત્રા નીકળી
- Advertisement -
ગિરનાર શિખર ઉપરાંત જૂનાગઢ શહેર સ્થિત ભવનાથ તળેટી ખાતે પણ ગુરુ દત્તાત્રેય જયંતિની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ભવનાથ ક્ષેત્રના જુનાખાડા ખાતે આવેલા દત્ત મહારાજના સ્થાનકમાંથી એક ભવ્ય પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાલખીયાત્રામાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભક્તો જોડાયા હતા. પાલખીયાત્રાએ ભવનાથ વિસ્તારના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કર્યું હતું. ત્યારબાદ, જુનાખાડા ખાતે દત્ત મહારાજનું શાસ્ત્રોક્ત રીતે પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. ભવનાથની આ પાવન ભૂમિ પણ ગુરુ દત્તાત્રેયના ભક્તિભાવમાં તરબોળ થઈ ગઈ હતી. સમગ્ર ગિરનાર તીર્થ ક્ષેત્રની પાવન ભૂમિમાં દત્તાત્રેય જયંતિના પર્વની ઉજવણીએ ભક્તિ અને આસ્થાનો માહોલ સર્જ્યો હતો, જેણે ગિરનારની ભૂમિને વધુ પવિત્ર બનાવી હતી.



