સૂર્યદેવની આરાધનાનો મહાપર્વ એટલે ‘છઠ્ઠ પૂજા’
દોઢથી બે લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૂર્યદેવની આરાધનાનો મહાપર્વ એટલે છઠ્ઠ પૂજા. કારતક મહિનાના શુકલ પક્ષની છઠ્ઠ તિથિએ સૂર્યપૂજાનું વિશેષ મહત્વ હોય છે. મહિલાઓ ઉપવાસ રાખી સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે અર્ધ્ય અર્પણ કરે છે. આ વ્રત ધન ધાન્યની પ્રાપ્તિ માટે અને પતિ તથા પુત્રના દીર્ઘ આયુષ્ય માટે કરવામાં આવે છે. આ ઉપરાંત વ્રતથી ચામડી અને આંખોની બિમારીમાંથી છૂટકારો મળવાની માન્યતા છે. તેમજ બીજા દિવસે ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપી વ્રત પૂર્ણ કરવામાં આવે છે. પૂજાથાળમાં કેળા, નાળિયેર, ખજૂર અને દીવો રાખીને સૂર્યને અર્પણ કરવામાં આવે છે. રાજકોટના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાએ પણ તેમના પત્ની સાથે છઠ્ઠ પૂજા કરી હતી. આજી ડેમના કિનારે છઠ્ઠી માયાના જયકારો ગૂંજતા થતાં આધ્યાત્મિક વાતાવરણ સર્જાયુ હતું રાજકોટ શહેર તેમજ આજુબાજુના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો આજે છઠ્ઠ પૂજા કરવા માટે આજી ડેમ ખાતે ઉમટી પડ્યા હતા. આજી ડેમ ખાતે દોઢથી બે લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હોવાનો અંદાજ છે. ડેમ પર જ્યાં નજર કરો ત્યાં લોકો જોવા મળ્યા હતા, જેને કારણે આકાશી નજારામાં પણ માનવ મહેરામણના દ્રશ્યો જોઈ શકાતા હતા. મોટી સંખ્યામાં લોકો એકઠા થવાના કારણે આજી ડેમ તરફના માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, જોકે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને ટ્રાફિકને નિયંત્રિત કરવાના પ્રયાસો કર્યા હતા. છઠ પૂજાના આયોજકો દ્વારા આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ શાંતિપૂર્ણ રીતે પૂજા કરવા બદલ આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આયોજકોએ પર્વના સફળ આયોજન બદલ પ્રશાસન અને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો, જેમણે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખી હતી. શ્રદ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યને અર્ધ્ય આપીને પોતાના પરિવારની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.



