આયાતથી માંડીને દેશમાંથી ખરીદાતા – વેચાતા સોના પર પણ નિયમ લાગુ થશે
શુદ્ધતાની અસરકારક ચકાસણી ઉપરાંત સોનાના સંપૂર્ણ કારોબાર પર સરકાર વોચ રાખી શકશે
- Advertisement -
ગ્રાહકોને સોનું સંપૂર્ણ રીતે શુદ્ધ મળે તે માટે સરકાર દ્વારા તમામ પ્રકારના સોનામાં હોલમાર્ક નિયમ લાગુ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આયાત થતા સોના અથવા સોનાના વેપારી દ્વારા ખરીદાયેલ સોનામાં પણ હોલમાર્ક ફરજીયાત થશે. કેન્દ્ર સરકારના સુત્રોએ જણાવ્યું છે કે જાન્યુઆરી 2025 થી આ નવી વ્યવસ્થા લાગુ કરવાની તૈયારી છે. બ્યુરો ઓફ ઈન્ડીયન સ્ટાર્ન્ડડ દ્વારા સબંધિત પક્ષકારો સાથે બેઠક કરીને સર્વસંમતિ સાધી લેવામાં આવી છે. પ્રવર્તમાન નિયમો હેઠળ હાલ ગ્રાહકોને વેચાતા દાગીના સીકકા અને અન્ય કલાકૃતિઓ પર જ હોલમાર્કીંગ ફરજીયાત છે.
કેન્દ્ર સરકાર હવે સોનાના દરેકે દરેક વ્યવહાર-ખરીદ વેચાણમાં હોલમાર્કીંગ ફરજીયાત કરવા માંગે છે જેને કારણે નિયમોમાં મોટા ફેરફાર સંભવ છે. સુચિત બદલાવ અંતર્ગત આયાત થતા સોનાથી માંડીને જવેલર તથા સોનાના-હોલસેલ વેપારીઓ દ્વારા દેશમાંથી જ ખરીદાતા સોના પર પણ હોલમાર્ક અનિવાર્ય બનશે. દેશમાં 14 કેરેટ, 18 કેરેટ, 22 કેરેટ 23-24 કેરેટથી બનેલા દાગીના તથા કલાકૃતિઓ પર હાલ હોલમાર્ક અનિવાર્ય છે. 2022 થી આ નિયમ અમલમાં છે. ગ્રાહકોને છેતરપીંડીથી બચાવવા માટેનો સરકારનો ઉદેશ છે. હોલમાર્ક ધરાવતા દાગીનામાં વપરાયેલ સોનુ સંપૂર્ણ શુદ્ધ હોવાની ગેરંટી હોય છે.
સુત્રોના કહેવા પ્રમાણે સૂચિત નિયમોથી બેવડો ફાયદો થઈ શકશે. સોનાની શુધ્ધતા થવાની સાથોસાથ સરકાર સમગ્ર કારોબાર પર વોચ રાખી શકશે. ભારતમાં આવતા સોનામાં પણ ભારતીય નિયમો માપદંડો લાગુ થશે. સોનામાં કોઈ ભેળસેળ નહિં થઈ શકે. દાણચોરી પર લગામ આવશે. વેપારી-જવેલર્સનાં સોનાના કારોબાર પર સરકારની નજર રહેશે. વેપારીના સ્ટોક સહીતનો રેકોર્ડ ઉપલબ્ધ બનશે.
- Advertisement -
દેશના અર્ધો અર્ધ ભાગોમાં હજુ હોલમાર્ક કેન્દ્રો નથી
વર્તમાન નિયમ હેઠળ ગ્રાહકોને વેચાતા દાગીના પર હોલમાર્ક ફરજીયાત છે. સમસ્યા એ છે કે દેશના દરેક સેન્ટરોમાં હોલમાર્ક કેન્દ્રો નથી પરીણામે અનેક ભાગોમાં હજુ હોલમાર્ક વિનાના દાગીનાનું વેચાણ થઈ રહ્યું છે. બુલીયન એન્ડ જવેલર્સ એસોસીએશનના ચેરમેન યોગેશ સિંધલના કહેવા પ્રમાણે સરકાર માત્ર આવક અને મોનીટરીંગને જ પ્રાધાન્ય આપે છે હકીકતમાં અર્ધોઅર્ધ જીલ્લાઓમાં હોલમાર્કની સુવિધા નથી. સરકારે શકય એટલા વધુ હોલમાર્ક કેન્દ્રો ખોલવા જોઈએ અને ત્યારબાદ નિયમો કડક બનાવવા જોઈએ.
જવેલર્સ અંગત ઉપયોગ માટે દાગીના બનાવે તો નિયમમાં રાહત
દરેકે દરેક વ્યવહારોનાં સોના પર હોલમાર્ક ફરજીયાત કરવાની દિશામાં તૈયારી વિશે સરકારે અગાઉ જ એક કમીટીનું ગઠન કર્યું હતું. બ્યુરો ઓફ ઈન્ડીયન સ્ટાર્ન્ડડની પેટા કમીટી પણ બનાવવામાં આવી હતી તેના દ્વારા રીપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે. અંગત ઉપયોગ માટે જવેલર્સ દ્વારા દાગીના અથવા કલાકૃતિ બનાવવામાં આવે તો તેમાં હોલમાર્ક અનિવાર્ય નહિં રહે.અંગત ઉપયોગનાં કિસ્સા પુરતી રાહત હશે.