-અખાત્રીજ-લગ્નગાળા પુર્વે પણ કોઈ સળવળાટ ન દેખાતા જવેલર્સો સ્તબ્ધ
-એક મહિના કરતા વધુ સમયથી માર્કેટ સાવ નબળુ પડી ગયાનો નિર્દેશ: જુનુ સોનુ પરત કરીને નવુ લેવામાં પણ ટાઢોડુ
- Advertisement -
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઝવેરીબજારની માઠી હોય તેમ રેકોર્ડબ્રેક ઉંચાભાવ અને સરકારી નિયમોને કારણે વેપારમાં તીવ્ર અસર પડી છે. કેટલાંક દિવસોથી ખરીદી-કારોબાર ઠપ્પ જેવી દશામાં આવી જતા આગામી લગ્નગાળો તથા અક્ષયતૃતીયા જેવા તહેવાર પુર્વે ઝવેરીઓ પણ ચિંતામાં મુકાયા છે. ભાવ મોરચે સ્થિરતા ન આવે અને સરકારના કડક નિયમો હળવા ન થયાના સંજોગોમાં અગાઉ જેવો ચળકાટ આવવો મુશ્કેલ ગણાય છે.
સોનાના ભાવમાં છેલ્લા એક પખવાડીયા દરમ્યાન ધરખમ ઉછાળો નોંધાયો છે. 63000ની નજીક પહોંચી ગયા હતા. જે તોફાની ઝડપે ભાવ વધ્યા તેનાથી ગ્રાહકો તો ઠીક ઝવેરીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. અમેરિકામાં બેંકીંગ કટોકટી ઉપરાંત દુનિયાના વિવિધ ક્ષેત્રોમાં ભૌગોલિક ટેન્શન જેવા કારણોથી માહોલ તેજીનો બની ગયો હતો. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે આર્થિકથી માંડીને વિવિધ મોરચે ચિત્ર ધુંધળુ બની રહેવાની આશંકાથી ઈન્વેસ્ટરો ‘સેફ હેવન’ એવા સોના-ચાંદીમાં રોકાણ કરવા તરફ વળ્યા હોવાથી તેજી જોરદાર બની છે.
સોનીબજારના જવેલર્સોના કહેવા પ્રમાણે ઉંચાભાવ સહિતના અનેક કારણો તેજી માટે જવાબદાર રહ્યા છે. રૂા.50000થી વધુની રકમની ખરીદીમાં ગ્રાહકો ઓળખકાર્ડ આપવાનું ફરજીયાત બન્યું છે એટલે રોકાણ માટે નાની ખરીદી કરવા માટે ગ્રાહકો કડાકૂટમાં પડવાનું ટાળવા લાગ્યા છે.
- Advertisement -
હોલમાર્ક કાયદામાં છ આંકડાના ન્યુમરીક માર્ક ફરજીયાત બનાવવામાં આવ્યા છે. ભલે ગ્રાહકો માટે આ સારી વાત છે અને શુદ્ધતા માટે ગ્રાહકલક્ષી નિયમ છે છતાં જવેલર્સોને હેરાનગતિ વધી ગઈ છે.
રાજકોટમાં એક ટોચના જવેલર્સ તરીકેની ગણના પામતા વેપારીએ જણાવ્યું હતું કે 60 વર્ષથી વ્યવસાયમાં પોતે છે છતાં આટલી ખરાબ હાલત ભૂતકાળમાં કયારેય જોઈ નથી. અત્યારે વેપાર-ખરીદી ઠપ્પ જેવી દશા છે. કયારેક તો સાંજ સુધી બોણી પણ ન થાય તેવી હાલત છે. કોરોનાકાળમાં નિયંત્રણો વખતે પણ આટલી ખરાબ હાલત ન હતી. આ ઉપરાંત છ આંકડાના આલ્ફા ન્યુમરીક હોલમાર્કના નિયમના કારણે બીલ વગરનો કે બેનંબરી વ્યવહારો સંપૂર્ણ અટકી ગયા છે. બીલની ઝંઝટમાં નહીં પડવા માંગતા તથા બીલ વિના કાળાનાણાંથી ખરીદી કરવા મથતા ગ્રાહકોને પણ અસર થાય છે.
મહત્વની વાત એ છે કે અત્યાર સુધી ઉંચા ભાવ વખતે ગ્રાહકો જુનુ સોનુ વેચીને નવા દાગીનાની ખરીદીનો ટ્રેન્ડ ધરાવતા હતા પરંતુ કેટલાક દિવસોથી તે પણ ધીમી પડી ગઈ છે. હવે આવતા દિવસોમાં ફરી લગ્નગાળો જામવાનો છે ત્યારે તેની કેવી ખરીદી નીકળે છે તેના પર મીટ માંડવામાં આવી રહી છે. આ સિવાય દસ દિવસ બાદ અક્ષય તૃતિયાનો પવિત્ર આવવાનો છે તેમાં ખરીદીનો ટ્રેન્ડ હોય છે. વર્તમાન ઉંચા ભાવ તથા નિયમો કેટલી અસર પાડે છે તે મહત્વનું બનશે.