ભારતીય અનાજ નિગમ દ્વારા સાપ્તાહિક ઇ-હરાજીનું આયોજન: ચોખા, ઘઉં અને લોટની કિંમતોને અંકુશમાં લેવા બફર સ્ટોકમાંથી વેચાણ
હાલની હરાજીમાં 13,164 ટન ચોખાનું વેચાણ થયું છે
ખાસ-ખબર સંવાદદાતા
સરકારે સ્થાનિક પુરવઠાને વધારવા અને રિટેલ કિંમતોને અંકુશમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. તે પ્રયાસ હેઠળ ઘઉં અને ચોખાના જથ્થાબંધ વેપારીઓને ઇ-હરાજીની મદદથી 3.46 લાખ ટન ઘઉં અને 13,164 ટન ચોખાનું વેચાણ કરવામાં આવ્યું છે. સરકાર ખુલ્લા બજારમાં વેચાણની યોજના હેઠળ રિટેલ કિંમતોને અંકુશમાં લેવા બફર સ્ટોકના ઘઉં અને ચોખા વેચી રહી છે. અનાજ ખરીદ વિતરણ માટેની સરકારની નોડલ એજન્સી ભારતીય અનાજ નિગમ દ્વારા સાપ્તાહિક ઇ-હરાજીનું આયોજન થઈ રહ્યું છે. સરકાર દ્વારા જારી એક નિવેદનમાં જણાવ્યા મુજબ, ’26મી ઇ-હરાજીનું 20 ડિસેમ્બરના રોજ આયોજન થયું હતું. ચાર લાખ ટન ઘઉં અને 1.93 લાખ ટન ચોખાની ઇ-હરાજીનું આયોજન થયું હતું. ઇ-હરાજીમાં 3.46 લાખ ટન ઘઉં અને 13,164 ટન ચોખાનું અનુક્રમે રૂપિયા 2,178.24 પ્રતિ ક્વિન્ટલ અને રૂપિયા 2,905.40 પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાણ થયું હતું.’ ઇ-હરાજી માટે પ્રત્યેક બોલી બોલનારા માટેની લઘુતમ અને મહત્તમ માત્રા નક્કી થયેલી હતી. ચોખાના કિસ્સામાં લઘુતમ 1 ટન અને મહત્તમ 2,000 ટનની માત્રા નક્કી થયેલી હતી. બોલી બોલનારા 1 ટનના ગુણાંકમાં બોલી લગાવી શકશે. હરાજીમાં ચોખાનું વેચાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે. છેલ્લી ઇ-હરાજી વખતે 3,300 ટન ચોખાની હરાજી સંભવ બની હતી. હાલની હરાજીમાં 13,164 ટન ચોખાનું વેચાણ થયું છે.
સરકાર સ્થાનિક પુરવઠાને વધારવા અને ભાવવધારાને અંકુશમાં લેવા ભારતીય અનાજ નિગમના માધ્યમથી જાન્યુઆરીથી માર્ચ 2024 સુધીમાં જથ્થાબંધ વેપારીઓને 25 લાખ ટન ઘઉં વેચવા તૈયાર છે.