માનવ અધિકાર પંચની નોટીસ બાદ સરકાર જાગી
ખાનગી વેબસાઈટ સામે કાનુની કાર્યવાહી કરવા સુચના
- Advertisement -
એશીયાઈ સિંહોની વસતી ધરાવતા અને વિખ્યાત પ્રવાસન સ્થળ બનેલા ગીર અભ્યારણ્યમાં જંગલ સફારી માટે બીનઅધિકૃત પરમીટ ઈસ્યુ થતી હોવાના મામલે હવે સરકાર જાગી છે અને વિભાગને તપાસના આદેશ કરવામાં આવ્યા છે. ગુજરાત માનવ અધિકારી પંચ દ્વારા ગીર જંગલ સફારી માટે આસપાસના રીપોર્ટ દ્વારા બીન અધિકૃત રીતે પરમીટ ઈસ્યુ થતી હોવાના મામલે સંજ્ઞાન લઈને નોટીસ ફટકારી હતી.
જેનાં પગલે વનમંત્રી મુળુભાઈ બેરાએ વન વિભાગના સચીવ સંજીવકુમાર તથા યુ.ટી.સિંઘ સાથે બેઠક યોજી હતી. સમગ્ર પ્રકરણથી વાકેફ થયા હતા. ખાનગી વેબસાઈટ સામે પગલા લેવા તથા ફરીયાદ દાખલ કરવાની સુચના આપી હતી. વનમંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું કે આ સાયબર ક્રાઈમનો કેસ છે. તત્કાળ પગલા લેવા આદેશ કરવામાં આવ્યા છે. તેઓએ પ્રવાસીઓને પણ ગુજરાત સરકારની અધિકૃત વેબસાઈટ મારફત જ જંગલ સફારીનું બુકીંગ કરાવવા અનુરોધ કર્યો હતો.
માનવ અધિકાર પંચે અગાઉ વનવિભાગ પાસેથી એવો ખુલાસો માંગ્યો હતો કે ગીર નેશનલ પાર્ક અને વિવેક તિવારીને જંગલ સફારીના બુકીંગ માટે અધિકૃત કરાયા છે? સરકારી વેબસાઈટના નામે પોર્ટલ પર બિનઅધિકૃત બુકીંગ થતુ હોવાની મૌખિક ફરીયાદ મળતા પંચે સંજ્ઞાન લીધુ હતું. વનવિભાગ તરફથી કોણે બુકીંગની મંજુરી આપી તેનો ખુલાસો વિવેક તિવારી પાસેથી માંગવામાં આવ્યા હતા. વન વિભાગની તપાસમાં કોઈને અધિકૃત કરાયા નથી. માનવ અધિકાર પંચે એવી પણ નોંધ લીધી હતી કે જંગલ સફારી હાલ બંધ હોવા છતાં ખાનગી વેબસાઈટ દ્વારા ધરખમ ફી વસુલીને બુકીંગ લેવાય છે. પંચે આદેશ આપીને એવો જવાબ માંગ્યો હતો કે લોકો સાથે છેતરપીંડી આચરવા બદલ કેમ પગલા લેવામાં ન આવે? એક સપ્તાહમાં ખુલાસો ન કરાય તો એકતરફી કાર્યવાહી થઈ શકશે.