જૂનાગઢનાં વન મેન આર્મી એડવોકેટ કિરીટભાઇ બી. સંઘવીની ‘ખાસ-ખબર’ સાથે વિશેષ મુલાકાત
પ્રથમ વખત જૂનાગઢ નગર પાલિકાનો કેસ લડ્યાં બાદ 17 વર્ષ પાલિકાનાં વકીલ રહ્યાં
- Advertisement -
વકીલાતથી મારું ઘર ચાલે. પરંતુ મારી વકીલાતથી સમાજને કેવી રીતે ઉપયોગી બની શકુ ?તેવા વિચારથી જૂનાગઢનાં એડવોકેટ કિરીટભાઇ બી. સંઘવીએ વન મેન આર્મી સંસ્થાની શરૂઆત કરી. આ એનજીઓમાં પોતે એકલા જ છે. સમાજને ઉપયોગી બનવા માટે હાઇકોર્ટ સુધી જાહેરહીતની અરજી કરે છે. તેમણે કરેલી જાહેરહીતની અરજીઓમાં તેમને સફળતા મળી છે. કિરીટભાઇ સંઘવી જૂનાગઢમાં પ્રથમ હરોળનાં એડવોકેટ છે. તેઓ કોઇ પણ કેસ હાથમાં લે તો અંત સુધી છોડતા નથી અને કિરીટભાઇ સંઘવી જૂનાગઢનાં વન મેન આર્મી તરીકે ઓળખાય છે.તેમની ખાસ ખબર સાથે વિશેષ મુલાકાત…
જૂનાગઢની પ્રમથ હરોળનાં એડવોકેટ અને વન મેન આર્મી કિરીટભાઇ બી. સંઘવીનો જન્મ 5 ડિસેમ્બર 1955નાં વડાલ ગામે થયો હતો. વડાલમાં હાઇસ્કુલ સુધીનું શિક્ષણ મેળવ્યું. જૂનાગઢ બહાઉદ્દીન સાયન્સ કોલેજમાં પ્રવેશ લીધો. અહીં બીએસસી અને એમએસસી સુધીનો અભ્યાસ કર્યો. ડ્રગ્સ કેમેસ્ટ્રીમાં અભ્યાસ કર્યો બાદ જૂનાગઢ લો કોલેજમાં એલએલબી કર્યું. એમએસસીમાં અભ્યાસ બાદ મુંબઇ કે અંકલેશ્ર્વરમાં નોકરી મળે તેમ હતી. પરંતુ મુંબઇ પ્રત્યે લાગણી ન હોય વકીલાત કરવાનો વિચાર કર્યો. 1980માં જૂનાગઢમાં વકીલાત શરૂ કરી. વકીલાતનાં શરૂઆતનાં દિવસો ખુબ જ સંઘર્ષમય રહ્યાં.
અક્ષર મંદિરનો કેસ છ મહિનામાં પૂર્ણ કર્યો એ વકીલાતનો ટર્નિંગ પોઇન્ટ રહ્યો
- Advertisement -
અધિકારીઓ અને નેતાઓની ગાડી પરથી લાલ લાઇટ ઉતરાવવામાં કિરીટભાઈનો સિંહફાળો
પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી ફી ન લીધી પણ ઘરે પધરામણીનું વચન લીધું
પરંતુ દરેક વ્યકિતનાં જીવનમાં એક તક આવતી હોય છે.બસ આ તકને ઓળખી અને તેને ઝડપી લેવી જોઇએ. અહીં વ્યકિતનાં જીવનની દિશા અને દશા બદલાઇ જતી હોય છે. આવી જ એક તક એડવોકેટ કિરીટભાઇ સંઘવીને મળે અને એ તક તેમણે ઝડપી લીધી. આ અંગે એડવોકેટ કિરીટભાઇ સંઘવીએ કહ્યું હતું કે,વકીલાતની શરૂઆતનાં દિવસો સંઘર્ષનાં હતાં. હું જુનિયર એડવોકેટ હતો ત્યારે મારી પાસે એક તક આવી અને આ તક મે ઝડપી લીધી. ત્યારે જૂનાગઢ નગર પાલીકાનાં પ્રમુખ સામે અવિશ્ર્વાસની દરખાસ્ત થઇ. આ કેસ મારી પાસે આવ્યો. તેમા સ્ટે લીધો. અમારી તેમા જીત થઇ. બાદ હું પાલીકાનો એડવોકેટ બની ગયો. 17 વર્ષ સુધી અહીં એડવોકેટ રહ્યો. તક આવી,ને ઝડપી લીધી અને જીવનનો વળાંક આવ્યો. બાદ જુદાજુદા કેસ લડ્યા સફળતા મળી અને પ્રસિધ્ધ થયા.આ વર્ષોમાં વકીલાતમાં સ્થાયી થયા. મને વિચાર આવ્યો કે આ આવક તો મારા ઘર અને પરિવાર માટે છે. મારી વકીલાતથી સમાજને કેમ ઉપયોગી કે મદદરૂપ થઇ શકાય ?.આ વિચાર બાદ વન મેન આર્મી સંસ્થાની સ્થાપના કરી. જેમાં હું એકલો જ છું. પરંતુ એક વ્યક્તિ શું કરી શકે. આવેદન પત્ર માટે લોકોને એકત્ર કરી શકુ તેમ તો છું નહી. તો શું કરવું ?.અન્યાય મુદે કોર્ટમાં જાહેરહીતની અરજી કરવાનું નકકી કર્યું. અને મારી વકીલાત અને મારા નોલેજનો સમાજ માટે ઉપયોગ કરવો. દર વર્ષે એક જાહેરહીતની અરજી કરું છું. આપણે ત્યારે અધિકારીઓ પોતાની ગાડીમાં લાલ લાઇટ લગાડી ફરતા હતાં. પરંતુ મોટર વિહીકલ એકટમાં માત્ર 16 વ્યકિતને જ લાલ લાઇટની મંજુરી આપેલી છે. આ અંગે હાઇકોર્ટમાં જાહેરહીતની અરજી કરી. બાદ પ્રક્રિયા આગળ વધી. સરકારનાં વકીલે પણ આ વાતનો સ્વિકાર કર્યો. હાઇકોર્ટ આદેશ કર્યો. અમલવારી કોણ કરાવે ? ફરી આ મુદે હાઇકોટમાં ક્ધટેન્ટ પિટીશન દાખલ કરી. છ મહિના કાર્યવાહી ચાલી. અંતે લાલ લાઇટ ઉતરી ગઇ. જોકે પોલીસ માટે મુખ્યમંત્રીએ વટહુકમ બહાર પાડી લાલ અને બ્લ્યુ લાઇટ આપી. તેમજ સમાજ ઉપયોગી ગ્રાહક સુરક્ષા કોર્ટને લઇ જાહેરહીતની અરજી કરી.ગ્રાહક સુરક્ષા કોર્ટ શરૂ થઇ,જજની નિમણુંક થઇ. પરંતુ સ્ટાફ ન હતો.જેના કારણે કોઇ જ કાર્યવાહી થતી ન હતી. 36 લાખનું નુકસાન થતું હતું. પીઆઇએલ દાખલ કરી બાદ સ્ટાફની નિમણુંક થઇ અને કામગીરી શરૂ થઇ. વકીલાતનાં ટર્નિંગ પોઇન્ટ અંગે એડવોકેટ કિરીટભાઇ સંઘવીએ કહ્યું હતું કે, જૂનાગઢમાં રામવાડીમાં બીએપીએસ સંસ્થા દ્વારા અક્ષર મંદિર બનાવવા જમીનની ખરીદી કરી. આ જમીનને લઇ કોર્ટમાં દાવો થયો. ઘણા વકીલો બદલી ગયા. આ કેસ મારી પાસે આવ્યો. કોઠારી સ્વામીને મળ્યો. ત્યારે મારી વકિલાતનાં 12 વર્ષ જ થયા હતાં. સ્વામીને મે કહ્યું,છ મહિનામાં કેસ પૂર્ણ થઇ જાશે. બાદ મને વિચાર આવ્યો કે છ મહિનામાં કેસ કેમ પૂર્ણ થશે ?. આમા પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા હશે. તેમા માની કામે લાગી ગયો. બાદ આ કેસ છ મહિનામાં પૂર્ણ કર્યો. કેસનાં રૂપિયા લીધા ન હતાં. મને ફી અંગે પુછ્યું. હું રૂબરૂ પ્રમુખસ્વામી મહારાજને મળવા ગયો.મેં એક ચિઠ્ઠીમાં લખી પ્રમુખસ્વામી મહારાજને આપી દીધી. ટ્રસ્ટીઓ મને પુછવા લાગ્યા કે કેટલી ફી છે ? કહો તો ખબર પડે. મે કહ્યું, ચિઠ્ઠીમાં લખ્યું છે કે,જૂનાગઢ પઘારો ત્યારે મારા ઘરે પગલા કરવા. આજ મારી ફી છે. બાદ જૂનાગઢ આવ્યા અને મારા ભવનનું ઉદ્ધાટન તેના હસ્તે કરાવ્યું. બાદ પ્રમુખસ્વામી મહારાજ સાથે અનેક મુલાકાતો થઇ અને તેના દિવ્ય અનુભવ ઉપર કોરોના દરમિયાન એક પુસ્તક પણ લખ્યું. અહીંથી પ્રસિધ્ધ થયો. સાધુ-સંતોની ફી કરતા તેના આર્શીવાદ મહત્વનાં છે તેમ કહી એડવોકેટ કિરીટમાં સંઘવીએ કહ્યું હતું કે,હું ધાર્મિક જગ્યા અને સંતોનાં કેસની ફી લેતો નથી. ધર્મનાં કેસનાં એક પણ રૂપિયા લીધા નથી. તે રૂપિયા ભગવાનને ઘરવામાં આવ્યા તેનાં છે. મારી વકિલાતની ફી પણ ઓછી છે.ત્યારે એક તાલુકાનાં વકિલે આવી મારા પત્નીને ફરિયાદ કરી હતી કે, ફી ઓછી લે છે. તો મારા પત્નીએ કહ્યું કે,2.5 કરોડનું મકાન છે.એટલી જ બચત છે. દીકરી-દિકરો અને પરિવારમાં સંતોષ છે તો બીજું છું જોઇએ. એડવોકેટ કિરીટભાઇ સંઘવી વન મેન આર્મી સંસ્થા ચલાવે છે. પરંતુ સાથે રૂપાયતન ટ્રસ્ટ, શીશુ મંગલ ટ્રસ્ટ,હાટકેશ હોસ્પિટલ,શારદા મંદિર પ્રાથમિક શાળા,પાંજરાપોળ, જ્ઞાતિનાં ટ્રસ્ટ વગેરેમાં કાર્યરત છે.
રેવડી કલ્ચર બંધ કરવું જોઇએ, જૂનાગઢ માટે વિઝન નથી
કિરીટભાઇ સંઘવીએ કહ્યું હતું કે, જૂનાગઢમાં મોટા ઉદ્યોગ આવી શકે તેમ નથી. પરંતુ પ્રવાસન ક્ષેત્રે વિકાસ થઇ શકે તેમ છે. જૂનાગઢનાં કોસ્ટલ હાઇવે ઉપર વિકાસની તકો છે. તેમજ ગિરનાર અને સોમનાથનો પણ વિકાસ કરી શકાય તેમ છે. આપણી પાસે જંગલ છે. જૂનાગઢમાં હજુ પ્રવાસક્ષેત્રે વિકાસ કરવામાં આવે તો નવી તકો છે. પરંતુ રાજકીય માણસો પાસે કોઇ જ વિઝન નથી. સરકારે પોતાનાં આશ્રય સ્થાનો બનાવવા જોઇએ. રેવડી કલ્ચરને લઇ કહ્યું હતું કે, ચૂંટણી ઉપરનાં વચનો પર પ્રતિબંધ મુકવો જોઇએ. ચૂંટણી પછી જે વચન આપવા હોય તે આપે. લોકોનાં ટેકસમાંથી મફત આપી શકાય નહી. રેવડી કલ્ચર બંધ કરવું જોઇએ.
શિશુ મંગલમાંથી પુત્ર દત્તક લીધો
એડવોકેટ કિરીટભાઇએ કહ્યું હતું કે, સંતાનમાં દીકરી અને દિકરો છે. તે દિવસોમાં અમારુ બાળક મૃત થયું હતું. મારા પત્નીને આઘાત લાગ્યો હતો. ત્યારે શીશુ મંગલમાં બે દિવસનાં બાળકને જોયું. પરિવારનાં સભ્યોને કહ્યું. બાદ 22 દિવસમાં બાળક દત્તક લીધો. આજે મારા પુત્ર 22 વર્ષનો છે.
પ્લાસ્ટિક મુકત પરિક્રમા અભિયાન
કિરીટભાઇ સામાજીક પ્રવૃતિઓ પણ કરી રહ્યાં છે. પ્રકૃતિ મિત્ર કરીને સંસ્થા શરૂ કરી હતી. આ સંસ્થા પ્લાસ્ટિક મુકત પરિક્રમા અભિયાન ચલાવે છે. પરિક્રમામાં આવતા લોકો પાસેથી પ્લાસ્ટિકની થેલીઓ લઇ તેમને કાપડની થેલી આપે છે. આઇ બેંક ચાલવે છે અને અંગદાન અંગે લોકોમાં જાગૃતી આવે તેવા કાર્ય કરી રહ્યાં છે.