સોનાની આક્રમક તેજીએ વિરામ લીધો છે. સળંગ બીજા દિવસે કિંમતી ધાતુની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. એમસીએક્સ સોનું ગઈકાલે રૂ. 1391 પ્રતિ 10 ગ્રામ તૂટ્યા બાદ આજે વધુ રૂ.592 ઘટ્યું છે. એમસીએક્સ સોનાનો 5 જૂન વાયદો 11.16 વાગ્યે રૂ. 70605 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ગઈકાલે અમદાવાદમાં પણ સોનાનો ભાવ રૂ. 1100 ઘટી 75200 થયા બાદ આજે વધુ ઘટાડાની શક્યતાઓ જણાઈ રહી છે. વૈશ્વિક સ્તરે સોનાની કિંમત 1.01 ટકા ઘટાડે 2322.40 પ્રતિ ઔંશ થયુ હતું.
- Advertisement -
સોનામાં ઘટાડા માટે જવાબદાર પરિબળો
- ઈરાન-ઈઝરાયલ વચ્ચે જારી યુદ્ધની સ્થિતિ થાળે પડી રહી છે. બંને વચ્ચે કોઈ નવા જોખમો કે હુમલાની આગાહી ન થતાં સોનામાં વેચવાલી વધી.
- અમેરિકી ફેડ દ્વારા વ્યાજદરોમાં હાલપૂરતો કોઈ ઘટાડો ન થવાની જાહેરાતથી ડોલર ઈન્ડેક્સ મજબૂત બન્યો.
- અર્થશાસ્ત્રીઓએ ફુગાવામાં સંભવિત વધારો નોંધાવાની શક્યતાઓ દર્શાવતાં સોનામાં ખરીદી ઘટી છે.
- ફુગાવાના ઉંચા આંકડા નોંધાય તો ફેડ વ્યાજદરોમાં ઘટાડો નહિં કરે, જેનાથી યુએસ ટ્રેઝરી યીલ્ડ અને ડોલર ઈન્ડેક્સ મજબૂત બને છે પરિણામે સોનુ ઘટે છે.
- જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ હળવી થતાં બુલિયન માર્કેટમાં વોલેટિલિટી વધી છે, રોકાણકારો વેચાણ કરી પ્રોફિટ બુક કરી રહ્યા છે.
ચાંદીની ચમક ઘટી
એમસીએક્સ ખાતે ચાંદી આજે વધુ રૂ. 703 ઘટી રૂ. 79876 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ રહી છે. ગઈકાલે રૂ. 2340 તૂટી હતી. અમદાવાદમાં ચાંદીની કિંમત ગઈકાલે રૂ. 83000 પ્રતિ કિગ્રા હતી. અમદાવાદમાં હાજર સોના-ચાંદીના આજના ભાવ 12.30 વાગ્યા સુધીમાં અપડેટ થશે.
- Advertisement -
આ સપ્તાહે અમેરિકાના જીડીપી આંકડાઓ ગુરૂવારે અને વ્યક્તિગત વપરાશ ખર્ચના આંકડા શુક્રવારે જારી થશે. જો ફુગાવો વધશે તો સોનાની કિંમતો આગામી સમયમાં વધુ ઘટી શકે છે.