કાર્તિકોલોજી: કાર્તિક મહેતા
આ પ્રકાશિત થશે ત્યારે દેવ દિવાળી ઉજવાઇ ગઈ હશે. કાર્તિકી પૂર્ણિમાએ દેવ દિવાળી ઉજવાય છે. વિક્રમ સંવત અનુસાર નવા વર્ષનો પ્રથમ ચંદ્રમા એટલે દેવ દિવાળી. રાત્રિના બાર વાગ્યે એક્ઝેટ સોમનાથ મંદિરના શિખર ઉપર આવતા ચંદ્રમાના દર્શન કરવા માટે ભાવિકો ઉમટે છે. આ પૂર્ણિમા અત્યંત શુભ ગણાય છે. આની અગાઉનો પૂર્ણ ચંદ્ર શરદ પૂનમનો હોય છે જે વર્ષનો છેલ્લો ચંદ્રમા હોવાથી રમાં પણ દર્શનનું માહાત્મ્ય છે. આપણું કેલેન્દર સૌર ચાંદ્ર છે. જ્યારે વિદેશી (અંગ્રેજી) કેલેન્ડર માત્ર સુર્ય ની કળાઓ ઉપર આધાર રાખે છે. આપણે ત્યાં નામ રાખવા માટે ચંદ્ર જે રાશિમાં હોય તે રાશિનો ઉપયોગ થાય છે જ્યારે યુરોપ વગેરે પશ્ર્ચિમમાં સુર્ય ની રાશિને બાળકની રાશિ ગણવામાં આવે છે. પશ્ચિમના દેશોમાં સુર્ય કિરણો ત્રાંસા પડે છે એને કારણે એમની માટે સૂર્યદેવ નું મહત્વ ઘણું વધારે છે. તેઓ સૂર્ય સ્નાન માટે એક દિવસ અલગ રાખીને એને હોલીડે (પવિત્ર દિવસ) ગણે છે અને તે દિવસે દેવળમાં માસ (પ્રાર્થના) કરવા જાય છે. ભારતમાં ચંદ્ર દેવનું પણ મહત્વ છે. આપણે તિથિઓ ચંદ્રની કળા ઉપરથી નક્કી કરીએ છીએ. અનેક લોકો સદીઓ થી પોતાના કુળદેવી કે ઇષ્ટદેવ દેવી ની પૂનમ ભરતા આવ્યા છે. અને આ તો વર્ષની પહેલી પૂનમ એટલે એનું મહત્વ અનેરું છે. દેવદિવાળી બાદ શુભ સમય પ્રારંભ થાય છે જેથી લગ્ન જેવા શુભ પ્રસંગો યોજી શકાય છે. દેવદિવાળી સાથે અનેક કથાઓ અને પ્રથાઓ જોડાયેલી છે. શીખોના પ્રથમ ગુરુ ગુરુનાનક દેવજી નો જનમ પણ દેવદિવાળી ને દિવસે થયેલો. શિવે ત્રિપુરાસુર નો વધ આજે કરેલો અને આજે જ વિષ્ણુ તુલસી વિવાહ પણ થયા હતા. શિવ સોમ એટલેકે ચંદ્ર એટલે કે મસ્તિષ્ક સ્વરૂપ ગણાય છે અને શરીર રૂપી ત્રિપુર ઉપર વિજય મેળવવાનો આ દિવસ છે એવું આ કથાં દર્શાવે છે. ત્રિપુર રૂપી શરીર ઉપર વિજય થાય તો દૈવ (એટલે કે ભાગ્ય) ખુલી જાય અને માનવ પણ દેવ સમાન બની જાય. પણ આ કહેવા જેટલું સહેલું નથી પરંતુ અતિદુષ્કર છે. દૈવ જેના બળવાન છે તે દેવ છે. આથી દેવ કદી તપ કરતા નથી. તેત્રીસ કોટી દેવતાઓ કહેવાય છે જે અગિયાર રૂદ્ર બાર આદિત્ય આઠ વસુ અને બે અશ્વિની કુમારો એમ કુલ તેત્રીસ ની સંખ્યા થાય . ક્યા છે આ દેવતાઓ? માણસના શરીરની કરોડરજ્જુ માં તેત્રીસ મણકા છે. માણસ વાંકો વળે અથવા ઊંધો સુવે ત્યારે આ મણકાઓ પર્વતમાળા સમાન દેખાય છે. આને હિમાલય પર્વતમાળા કહેવાય છે. હિમાલયને છેવાડે કૈલાસ છે જ્યા શિવ છે. પણ આ તેત્રીસ પર્વતોને પાર કરીને જે શિવ સુધી પહોંચે તેને પાર્વતી કહેવાય છે. આમ પાર્વતી એ કુંડલિની શક્તિ માતા છે.
- Advertisement -
જ્યારે મસ્તિષ્ક એ શિવ છે. ખ્રિસ્તીઓ માં પણ જેકબસ લેડર નામની સંકલ્પના છે જે સ્વર્ગ જવાની સીડી છે અને એમાં તેત્રીસ પગથિયાં છે. આપણાં સમય, અંતર વગેરે માપવા માટેના તમામ એકમ હમેશા ત્રણ ના ગુણાંક માં આવે છે તે પણ સમજવા જેવું છે. દેવોને ભાગ્યને જોરે એમની કુંડલિની શક્તિ આ તેત્રીસ મણકાઓ થી વહીને ઉપર શિવ સાથે પહોચતી હોય છે જેથી તેઓ નસીબના બળિયા હોય છે. તેઓ ને કદી તપ કરવાની જરૂર પડતી નથી. પણ અસુરો દુર્ભાગી હોય છે, એમનો જીવ સંસારની મોહીનીમાં હોય છે જેથી એમની કુંડલિની શક્તિ મણકા થી પસાર થઈને શિવ સાથે મિલન કરી શકિત નથી. આથી અસુરોને ખૂબ તપ કરવું પડે છે. તમામ વાર્તાઓમાં તમે જોયું હશે કે ફલાણો અસુર તપ કરે અને એને કોઈ ઈશ્વરીય તત્વ વરદાન આપે. કોઈ દેવ કદી તપ કરતા નથી કમેકે એમની શક્તિ દૈવ /ભાગ્યને જોરે ઓલરેડી ઉપર ચડીને શિવ સાથે મિલન કરવા ગમન કરતી હોય છે. શિવ અને શક્તિના મિલનને યોગમાર્ગમાં સમાધિ કે ઈશ્વરપ્રાપતિ કહેવાય છે. કહેવાય છે કે જે આ કરી લે છે એને અન્ય કશું કરવાની જરૂર રહેતી નથી. જ્યારે માણસ કોઈ કાર્યમાં અત્યંત તલ્લીન થઈ જાય તો ત્યારે પણ શિવ અને શક્તિનો યોગ રચાય છે. તે યોગી બની જાય છે. જેને દેવ બનવું છે, એને સુર્ય અને ચંદ્રના દર્શન કરવા જોઈએ. સુર્ય અને ચંદ્રની કલાઓને આધારે પોતાના જીવનની ગતિને નિયંત્રિત કરવી જોઈએ! દેવ દિવાળી શિવના વિજયનો સમય છે. સુંદર જીવન પામવા માટેનો અવસર છે.