ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢના ગિરનારી ગ્રુપ દ્વારા ઝાંઝરડા ગામના ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકો સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમીર દત્તાણી અને સંજય બુહેચાની આગેવાની હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વંચિત બાળકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર પરંપરાગત “મટકી ફોડ” રહ્યું હતું.
આ કાર્યક્રમનો પ્રારંભ મંગલ પ્રાર્થના અને ભજનો સાથે થયો હતો, જ્યાં ગિરનારી ગ્રુપના સભ્યોએ બાળકોને શ્રીકૃષ્ણના જીવન પ્રસંગો અને બાળલીલાઓની વાર્તાઓ સંભળાવી હતી. મટકી ફોડના ઉત્સાહપૂર્ણ માહોલમાં બાળકોના ચહેરા પર ખુશી છલકાઈ હતી, અને મટકીમાંથી નીકળેલી ચોકલેટથી તેમને આનંદ થયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જલારામ ભક્તિ ધામના ટ્રસ્ટી પ્રો. પી. બી. ઉનડકટ, નિવૃત્ત બેંક મેનેજર ગિરીશભાઈ પાબારી અને બાળ સુરક્ષા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોને તહેવારો દ્વારા એકતા અને સ્નેહનો સંદેશ આપવા પ્રોત્સાહિત કર્યા. આ પ્રસંગે ગિરનારી ગ્રુપ દ્વારા બાળકોને મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું, અને સાથે સાથે 40 જેટલા અત્યંત જરૂરિયાતમંદ પરિવારોને અનાજ-કરિયાણાની કીટ પણ આપવામાં આવી હતી. ગિરનારી ગ્રુપના પ્રમુખ સમીરભાઈ દત્તાણીએ જણાવ્યું હતું કે, સમાજના દરેક વર્ગ સુધી તહેવારોની ખુશી પહોંચાડવી અને સાંસ્કૃતિક પરંપરાઓનો પ્રસાર કરવો એ તેમનો મુખ્ય ઉદ્દેશ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રુપના અનેક સભ્યોએ સેવા આપી હતી.