ઝરમર વરસાદમાં પણ આસ્થા અખંડ: મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ઉત્તમ વ્યવસ્થા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
સુરેન્દ્રનગર જિલ્લાના પવિત્ર યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરે આસો સુદ આઠમ નિમિત્તે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. માતાજીના આશીર્વાદ મેળવવા માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી અને ચોટીલા હાઇવે સહિત તળેટીના મુખ્ય માર્ગો પર મેળા જેવો માહોલ સર્જાયો હતો. આઠમના પવિત્ર દિવસે મહંત પરિવાર દ્વારા મહાચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આઠમા નોરતાના દિવસે ઝરમર વરસાદી વાતાવરણ હોવા છતાં પણ માઈ ભક્તોની આસ્થામાં કોઈ ઓટ આવી નહોતી. દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ મહાચંડી યજ્ઞનો લાભ લેવા અને માતાજીના દર્શન કરવા ડુંગર ઉપર પહોંચી રહ્યા હતા. નવરાત્રિ દરમિયાન ચામુંડા માતાજીને નવ દિવસ સુધી સોળે શણગાર કરી અન્નકૂટ ધરાવવામાં આવે છે. આઠમ અને નોમના દિવસે અલગ અલગ જ્ઞાતિના લોકો જૂની પરંપરા મુજબ ઘરમાં લાપસી, ભાત, તલવટ અને આખા મગની ખીચડીનો ભોગ માતાજીને અર્પણ કરીને નિવેદ કરે છે. મંદિરના ભોજનાલયમાં ભોજન પ્રસાદ માટે લાંબી કતારો જોવા મળશે, જેના માટે ચામુંડા મંદિર ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
ચામુંડા માતાજીની જગ્યાનો ગૌરવવંતો ઇતિહાસ
શાસ્ત્રોક્ત ઇતિહાસ મુજબ, પૃથ્વી પર ચંડ અને મુંડ નામના બે અસુરોનો અત્યાચાર વધતાં દેવોએ મા આદ્યશક્તિની આરાધના કરી હતી. માતા કાળીએ અતિ તેજસ્વી સ્વરૂપ ધારણ કરી બંને રાક્ષસોનો સંહાર કર્યો, જેના પરથી માતાજીનું નામ ચામુંડા પડ્યું હોવાનું કહેવાય છે. આ ડુંગર મા ચામુંડાના નિવાસ સ્થાન તરીકે ઓળખાય છે અને આજે તે 18 વર્ણ જ્ઞાતિના કુળદેવી છે. દર્શન કરવા આવતા ભક્તોમાં વિરમગામના માંડલ ગામના બ્રાહ્મણો દ્વારા માતા ચામુંડાને બાળ સ્વરૂપે ખંભલાવ તરીકે પૂજન અર્ચન કરવામાં આવે છે, જ્યારે અન્ય જ્ઞાતિના લોકો બીજા મંદિરોના દર્શન કરીને પણ પાવન થાય છે. ચામુંડા માતાજીના અલગ અલગ સ્વરૂપોમાં એક મુખવાળા માતાજી ઊંચા કોટડા, બે મુખવાળા માતાજી ચોટીલા, ત્રણ મુખવાળા માતાજી પારનેરા (વલસાડ) અને ચાર મુખવાળા માતાજી બેંગુલુરુ ખાતે બિરાજમાન છે.
ચોટીલામાં ગુજરાતની પહેલી ફ્યુનિક્યુલર રાઇડ શરૂ થશે
- Advertisement -
પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગર પર ગુજરાતનો પ્રથમ ફ્યુનિક્યુલર કોચ સિસ્ટમ પ્રોજેક્ટ બની રહ્યો છે. આ રાઈડથી ભક્તો માત્ર પાંચ મિનિટમાં જ મા ચામુંડાના દ્વારે પહોંચી શકાશે. પ્રોજેક્ટ અંગે ચોટીલા મહંત મનસુખગિરિએ દિવ્ય ભાસ્કર ડિજિટલ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી ચૈત્ર નવરાત્રિ સુધીમાં આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય એવી આશા છે. પ્રોજેક્ટ વૃદ્ધ, અસક્ત અને બીમાર ભક્તો માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે તેમજ આના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવશે.



