ખાસ-ખબર સંવાદદાતા
માર્ચ મહિનાથી અત્યાર સુધી ઉનાળાની કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા પ્રજાજનોને હવે તેમાંથી નજીકના ભવિષ્યમાં મુક્તિ મળે તેવા અણસારો મળી રહ્યા છે. ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના સત્તાવાર બુલેટિનમાં જણાવાયા મુજબ આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં અને ગુરૂવારથી દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થશે.
કાલે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં મેઘરાજા એન્ટ્રી લેશે અને બીજા દિવસથી આ તમામ વિસ્તારો ઉપરાંત સુરત, તાપી જિલ્લામાં અને સૌરાષ્ટ્રમાં અમરેલી તથા ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડશે.
- Advertisement -
દક્ષિણ ગુજરાતમાં ચાર દિવસ માટે અને સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ માટે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને તોફાની પવન ખાતે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગઈકાલે કંડલા, અમદાવાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ડીસા, ગાંધીનગર, વલ્લભ વિદ્યાનગર, વડોદરા સહિત 10 શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 40થી 42.6 ડિગ્રી વચ્ચે રહેવા પામ્યો હતો. જોકે હવામાન ખાતાએ જણાવ્યું છે કે આજથી ગરમીનું પ્રમાણ ઘટશે અને ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનનો પારો ત્રણથી ચાર ડિગ્રી જેટલો નીચે ઉતરશે.
ગરમી ભલે ઓછી થાય પરંતુ બફારો ઊલટાનો વધશે, કારણકે આજે રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે અને આકાશમાં છુટા છવાયા ભેજવાળા વાદળો જોવા મળી રહ્યા છે.
રાજકોટમાં આજે સવારે ભેજનું પ્રમાણ 84% સુરતમાં 83% અમદાવાદમાં 71 ટકા અને દ્વારકામાં 84% નોંધાવવાની સાથોસાથ આ તમામ સ્થળોએ આકાશમાં ભેજવાળા વાદળો જોવા મળી રહ્યા છે.ગુજરાતમાં આવતીકાલથી ચાર દિવસ માટે મેઘરાજાની એન્ટ્રી થશે. પરંતુ મહારાષ્ટ્ર મરાઠાવાડ અને ગોવા જેવા સેન્ટરોમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે.