લાકડી – પાઇપથી માર મારતા ચાર યુવાનોને ફ્રેક્ચર સહિતની ઇજા
ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં રાયોટ, તોડફોડ સહિતની કલમ હેઠળ ફરિયાદ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જેતપુર
જેતપુરના રબારીકા પાસે ભેંસ સાથે બાઇક અથડાવવા જેવી બાબતે સાત શખ્સોએ યુવકો ઉપર લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ચાર યુવાનને ઇજા પહોંચી હતી ત્રણ બાઇકમાં તોડફોડ પણ કરી હતી આ બનાવ અંગે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં રાયોટ, તોડફોડ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જેતપુરના રબારીકા ગામની સીમમાં ધીરજભાઈ સોયાની વાડીએ ખેત મજૂરી કરતા દિનેશ બધ્દુભાઈ ચૌધરીએ જેતપુરના જીજા વાંક સહિત અજાણ્યા શખસો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ધુળેટીના દિવસે સાંજે તેનો સાળો સુરેશ બારેલા અને તેમનો પરીવાર બધા સીમમાં મુકેશભાઈ લાલુની વાડીએ રહેતા હોય તેઓ હોળીનો તહેવાર કરવા આવ્યા હતા અને સાથે જમ્યા હતા ત્યાર બાદ રાત્રિના પોણા આઠેક વાગ્યે આસપાસ રબારીકા ગામના જીજા વાંકના ભેસના તબેલા પાસે પહોંચતા સુરેશનુ બાઈક ભેંસ સાથે જરા અડી જતા આ જીજા વાંકે કહ્યું હતું કે, બાઈક ધીમુ ચલાવ તને મારી ભેંસ દેખાતી નથી તેમ કહી લાકડીનો એક ઘા સુરેશના વાહન પર તથા બીજો ઘા સુરેશના હાથ ઉપર અને ત્રીજો ઘા પગમાં મારી દેતા તે નીચે જમીન પર પડી ગયો હતો. જેથી ફરિયાદી તથા તેના અન્ય સંબંધી અહીં ઊભા રહી ગયા હતા અને પૂછવા લાગ્યા હતા કે શું કરવા મારો છો આ સાંભળી જીજાભાઈએ ગાળો બોલી કોઈ સાથે ફોનમાં વાત કરી કહ્યું હતું કે, તમે અહીં આવો મારી સાથે આ લોકો ઝઘડો કરે છે. તેવું કહેતા થોડીવારમાં ત્યાં ત્રણ બાઈકમાં 6 અજાણ્યા શખ્સો હાથમાં લાકડી અને પાઇપ લઈને આવ્યા હતા અને યુવાન તથા તેના સંબંધી સહિતના બધા પર લાકડીઓ અને પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો બાદમાં આ શખસોએ વાહનમાં પાઇપના ઘા ફટકારી નુકસાની કર્યું હતું અને જતા જતા કહેતા ગયા હતા કે, તમે અમને ઓળખતા નથી હવે પછી અમારી સામે થયા તો જીવતા નહીં રહેવા દઈએ. બાદમાં આ હુમલામાં ફરિયાદી દિનેશ તથા રાકેશ, સુરેશ અને તુકેસને ઇજા પહોંચી હોય તેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે યુવાને જેતપુર ઉદ્યોગનગર પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



