પ્રથમ મિશનમાં પૃથ્વીથી 400 કી.મી. સુધી ભ્રમણકક્ષામાં અવકાશયાન મોકલી પરત લવાશે: બીજા તબકકામાં રોબો પણ યાનમાં જશે: બન્ને સાહસો પછી સમાનવ ગગનયાનની તૈયારી
પ્રથમ ચંદ્રયાન-3 અને લેન્ડર વિક્રમનું સોફટલેન્ડીંગ તથા રોવર પ્રજ્ઞાનની એક પખવાડીયાની શ્રેષ્ઠ કામગીરી સંપન્ન થયા સાથે જ ઈન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને સૂર્ય ભણી રવાના કરાયેલા આદિત્ય એલ-1 હવે સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે અને આગામી 125 દિવસની સફર બાદ સૂર્યની સામે હશે તે સમયે જ ઈસરો હવે તેના ગગનયાન મિશનને પણ આગામી માસમાં લોન્ચ કરશે.
- Advertisement -
પ્રથમ તબકકામાં ગગનયાન-વન પૃથ્વીની 400 કીમીની ભ્રમણકક્ષામાં જઈને પરત ફરશે તે ત્રણ દિવસ આ ભ્રમણકક્ષામાં ચકકર લગાવીને પરત આવશે. બાદમાં બીજા તબકકામાં રોબો પણ આ રીતે ભ્રમણકક્ષામાં ગગનયાન-2 મારફત મોકલશે અને તે પણ પરત આવશે અને આ બન્ને પ્રોજેકટની સફળતા બાદ સંભવિત આગામી વર્ષે એક મહિલા સહિત ત્રણ ભારતીય અવકાશયાત્રીઓ ગગનયાન-3 મારફત પૃથ્વીની ભ્રમણકક્ષામાં જઈને પરત આવશે અને તે સાથે ભારત અવકાશ યાન મોકલવાના વિશ્વના બહુ થોડા દેશોમાં સામેલ થઈ જશે.
હાલ ભારતના અવકાશયાત્રીમાં રશિયામાં તાલીમ લઈ રહ્યા છે અને તે લગભગ પુરી થઈ છે. અમેરિકા યાનમાં સફર કરનારને પરત સલામત લાવવા એ સૌથી મોટો પડકાર છે. અમેરિકા પણ તેના આ પ્રકારના મિશનમાં સફળતા-નિષ્ફળતાના પાઠ ભણી ચૂકયું છે અને અપોલો-11ના બે અવકાશયાત્રીઓને ચંદ્રની ધરતી પર ઉતાર્યા બાદ હવે છેક 2025માં ફરી સમાનવ મિશન હાથ ધરશે.
ભારત તેના સસ્તા અવકાશ મીશન માટે જાણીતું બન્યુ છે. ચંદ્રયાન એ સફળ અને સસ્તો અવકાશી કાર્યક્રમ બની રહ્યો છે તો સૂર્ય મિશન પણ સૌથી સસ્તુ મિશન બની રહ્યું છે. અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા નાસા એ તેના મિશનમાં ‘બજેટ’ જ નડી રહ્યા છે પણ ઈસરોએ તેને સસ્તુ બનાવી સફળતા મેળવી છે. સૂર્ય મિશનનો ખર્ચ રૂા.378.53 કરોડનો છે જે નાસાએ રૂા.16958 કરોડ ખર્ચીને તેના બે મિશન પાડયા છે. ચંદ્રયાન-3 પણ રૂા.650/- કરોડમાં પાર પાડવામાં આવ્યું છે.