મહારાષ્ટ્ર સરકારે નવી પ્રવાસન નીતિમાં પ્રોજેકટ તૈયાર કર્યો: રાજયભરમાં રિવરક્રુઝ તથા હાઉસબોટ પ્રવાસન પર ફોકસ
પ્રવાસનને વેગ આપવા માટે મહારાષ્ટ્ર સરકારે કમર કસી છે. હવે રાજયના નંદુરબારથી ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની ક્રુઝ સેવા શરૂ કરવાનો પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે.
- Advertisement -
મહારાષ્ટ્ર સરકારે નવી પ્રવાસન નીતિ બનાવી છે. પ્રવાસન તથા હોસ્પીટાલીટી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ચાલુ વર્ષે 1666 કરોડની રાહત આપવામાં આવી છે. આવતા 10 વર્ષ સુધી રાહતો ચાલુ રહેશે. 1 લાખ કરોડનુ રોકાણ મેળવવાનો ટારગેટ રાખવામાં આવ્યો છે.
આ દરમ્યાન 18 લાખ રોજગારીનુ સર્જન થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. નવી પ્રવાસન નીતિમાં ‘રિવર ક્રુઝ’ને કેન્દ્રમાં રાખવામાં આવ્યુ છે. નંદુરબારથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ક્રુઝ પ્રોજેકટ શરૂ કરાશે. આ ઉપરાંત વશિષ્ઠી, ગોદાવરી સહિતની રાજયની અન્ય નદીઓમાં ક્રુઝ પ્રવાસન વિકસાવવામાં આવશે.
રાજયમાં પ્રવાસન ક્ષેત્રે રોકાણ વધારવા માટે ઢગલાબંધ છુટછાટો આપવામાં આવી છે જે મુજબ મૂડીરોકાણના 15-20 ટકા અથવા 15થી20 કરોડ બેમાંથી જે ઓછુ હોય તેમાં 50થી100 ટકાની એસજીએસટી રાહતો મળશે. ઈલેકટ્રીસીટી-સ્ટેમ્પ ડયુટીમાં પણ રાહત મળશે તેમજ લોન પર 5 ટકા વ્યાજરાહત અપાશે. રાજયના હોટલ તથા પ્રવાસન ઉદ્યોગો નવી નીતિને વધારી છે અને દેશમાં મહારાષ્ટ્રને પ્રવાસન આકર્ષણમાં નંબરવન બનાવવાની દિશામાં હોવાનો અભિપ્રાય દર્શાવ્યો છે. પ્રોજેકટ મંજુરી સરળ કરવા ઉપરાંત બાંધકામ એફએસઆઈમાં છુટછાટ સહિતની જોગવાઈ કરવામાં આવી છે.
- Advertisement -
ભારતમાં પ્રવાસન ક્ષેત્રે મહારાષ્ટ્રનુ સ્થાન પાંચમુ છે. વર્ષે 15.50 કરોડ પ્રવાસીઓ આવે છે તે સંખ્યા 31 કરોડે પહોંચવાનો ટારગેટ આપવામાં આવ્યો છે. રાજયનો આર્થિક વિકાસ 1 ટ્રીલીયન ડોલરે પહોંચવાના લક્ષ્યાંકમાં પ્રવાસન ક્ષેત્રનો રોલ પણ ઘણો મોટો રહેવાનો સુર દર્શાવવામાં આવ્યો છે. સ્થાનિક લોકોને રોજગારી મળે તેવા આશયથી રાજયમાં 50 ટુરીસ્ટ સ્પોટ વિકસાવવાનુ પણ કહેવાયુ છે તે માટે સાંસ્કૃતિક તથા હેરિટેજ, આધ્યાત્મિક, એડવેન્ચર, ઈકો, વેલનેસ, બીચ જેવી અલગ અલગ થીમ નકકી કરવામાં આવી છે તેમાં રીવર ટુરીઝમને કેન્દ્રમાં રાખવામાં આવ્યુ છે.
નર્મદા, ગોદાવરી, વશિષ્ઠી, સાવિત્રી, ક્રિષ્ના, તાપી જેવી નદીઓ છે જેમાં ક્રુઝ ટુરિઝમ વિકસાવવાનો ઈરાદો છે. વાઈલ્ડ લાઈફ પ્રવાસનમાં પણ તેનો ઉપયોગ કરાશે. પ્રવાસન નીતિના અસરકારક અમલ માટે ખાસ ટાસ્કફોર્સ બનાવવાનું નકકી કરવામાં આવ્યુ છે. જે સાહસિકોને માર્ગદર્શનથી માંડીને વિવિધ સેવા પુરી પાડશે. નર્મદા નદી આધારિત ક્રુઝ પ્રોજેકટ હેઠળ નંદુરબાર ખાતેના સરદાર સરોવર ડેમના ભાગથી મધ્યપ્રદેશને સાંકળીને ગુજરાત સુધીની રીવર ક્રુઝ શરૂ થશે. કોંકણ, નાસિક, પુના તથા નાગપુરના ડેમ સહિતના જળાશયોમાં ક્રુઝ-હાઉસબોટ સાથે પ્રવાસન આકર્ષણ સર્જવામાં આવશે કે ટુરીઝમ જેટી વિકસાવવામાં આવશે.