ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.23
મોરબીના ત્રિકોણબાગથી નગર દરવાજા સુધીના પરાબજાર મેઈન રોડ પર છેલ્લા 20 દિવસથી દૈનિક ધોરણે વીજ કાપની ગંભીર સમસ્યાથી સ્થાનિકો અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ વિસ્તારમાં પહેલેથી જ અવારનવાર વીજળી આવવા-જવાની સમસ્યા હતી, પરંતુ છેલ્લા ત્રણ અઠવાડિયાથી પરિસ્થિતિ વધુ વણસી છે. કોઈપણ સમયે લાઈટ જાય છે અને અંદાજે બે થી ત્રણ કલાક સુધી પાછી આવતી નથી, ભલે તે સવાર હોય, બપોર હોય, સાંજ હોય કે રાત.
સ્થાનિકો દ્વારા અનેક વખત ટેલિફોનિક રજૂઆતો અને ફરિયાદો કરવા છતાં પણ વીજ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. વીજળી સંબંધિત ફરિયાદ નોંધાવતી વખતે પણ યોગ્ય જવાબો મળતા નથી અને દર વખતે અલગ અલગ બહાનાઓ રજૂ કરવામાં આવે છે. આના કારણે વેપારીઓ અને રહેવાસીઓને ભારે અસુવિધા ભોગવવી પડી રહી છે.
વધુમાં, ત્રિકોણબાગથી નગર દરવાજા સુધીના પરાબજાર રોડ પર આવેલી સ્ટ્રીટ લાઈટો પણ છેલ્લા 30 થી 35 દિવસથી બંધ હાલતમાં છે. સ્ટ્રીટ લાઈટની પણ ફરિયાદ નોંધાવવામાં આવી હોવા છતાં, એક મહિના કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં, લગભગ તમામ સ્ટ્રીટ લાઈટો બંધ છે. જેના કારણે રાત્રિના સમયે રાહદારીઓ અને વાહનચાલકોને અંધારામાં અવરજવર કરવી પડે છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ પણ જોખમી છે અને અનેક સમસ્યાઓ નોતરી રહી છે.
- Advertisement -
સ્થાનિકોએ આ વીજ કાપ અને બંધ સ્ટ્રીટ લાઈટની સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવા માટે સત્તાવાળાઓ સમક્ષ માંગણી કરી છે.