રાજયમાં પંડિતોના પુન: વસવાટની પ્રક્રિયા તેજ બનતા પ્રત્યાઘાત
જમ્મુ-કાશ્મીરમાં શાંતિ સ્થાપીને કાશ્મીરી પંડિતોને ફરી તેની ભૂમિમાં વસાવવાની મોદી સરકારની તૈયારી વચ્ચે ગઈકાલે આતંકીઓએ ખીણ ક્ષેત્રમાં ચાર સ્થળોએ આતંકી હુમલા કરીને ફરી સુરક્ષા દળોને મોટો પડકાર આપ્યો છે અને ખાસ કરીને શોપીયાના છોટી ગામમાં દવાનો સ્ટોર્સ ધરાવતા એક કાશ્મીરી પંડિત પર હુમલો કરતા તે ગંભીર હાલતમાં સારવાર માટે શ્રીનગરની હોસ્પીટલમાં ખસેડાયા છે.રાજયમાં કાશ્મીરી પંડિતો પરનો આ હુમલો ગંભીર ઘટના ગણાય છે.
દેશમાં કાશ્મીર ફાઈલ્સ ફિલ્મના આધારે જે દેશભક્તિ તથા પંડિતો પ્રત્યે સહાનુભૂતિના જે પ્રયાસો થયા તેનાથી કાશ્મીરમાં અલગતાવાદી વધુ ઉશ્કેરાયા હોવાનું પણ માનવામાં આવે છે. ગઈકાલે બપોરે બે ત્રાસવાદીઓએ આ દવાના વિક્રેતા પર ઓચિંતો હુમલો કર્યો હતો.બાલકૃષ્ણ ઉર્ફે સોનુકુમાર નામના આ દવાના વિક્રેતાને નિશાન બનાવી અહી વસતા થોડા ઘણા કાશ્મીરી પંડિતોમાં પણ ગભરાટ ફેલાવાની યોજના છે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં આતંકીઓનો આ ચોથો હુમલો છે. અગાઉ ત્રાસવાદીઓએ ગૈરકાશ્મીરી મજૂરો તથા કાશ્મીરી વ્યવસાયિકોને નિશાન બનાવ્યા હતા અને તેઓને ઘાયલ કર્યા હતા. જેઓ હિમાચલના ટ્રક ડ્રાઈવર વિ. છે.કાશ્મીરમાં શાંતિ અને રાજકીય પ્રક્રિયા પુન: સ્થાપિત કરવાના પ્રયાસ સામે હવે ત્રાસવાદીઓએ ઉશ્કેરાયેલા હોવાનું મનાય છે.



