દૂર્ઘટના બનતાવેંત જ ઓરેવાનાં માલિકને ક્લિનચીટ આપી દેવાઈ!
દિલ્હીનાં ઉપહાર સિનેમાની દુર્ઘટનામાં, અમદાવાદની શ્રેય હોસ્પિટલનાં આગનાં બનાવમાં, સુરતનાં તક્ષશિલા ક્લાસિસનાં અકસ્માતમાં, અમદાવાદ-બોટાદનાં લઠ્ઠાકાંડમાં અને શિવાનંદ ગોકુલ હોસ્પિટલનાં બનાવમાં સંચાલકો-માલિકો સામે 304 જેવી ગંભીર કલમો લાગતી હોય તો મોરબી ઝૂલતાં પુલ હત્યાકાંડમાં શા માટે નહીં?
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાં માનવ જિંદગીઓ સસ્તી છે, તેની કોઈ કિંમત નથી. જાહેર સ્થળો પર થતી દુર્ઘટના કે અકસ્માતોમાં મરનારને થોડા રૂપિયાની સહાય જાહેર કરી મામલો રફેદફે કરી દેવામાં આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં ભીનું સંકેલાઈ જતું હોય છે. પોલીસ કે પ્રશાસનને પણ ભૂતકાળમાં બનેલી દુર્ઘટનાનું પરિવર્તન ન થાય તે માટે કડક કાયદા ઘડવામાં અને ગુનેગારને આકરી સજા કરવામાં રસ હોતો નથી. હાલમાં મોરબી ઝૂલતા પુલની હોનારતમાં પણ પોલીસ કે પ્રશાસનને આ ઘટનાના મુખ્ય જવાબદાર ઓરેવાના જયસુખ પટેલ સામે કડક કાર્યવાહી કરવામાં અને સજા અપાવવામાં રસ નથી જેથી લોકોમાં તંત્ર પ્રત્યે રોષ ભડકી ઉઠ્યો છે. સૌરાષ્ટ્રના મોરબી ખાતે મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં 135 જેટલા લોકોના મૃત્યુ થયા છે તેમજ 150 જેટલા લોકો ઘાયલ થયા છે.
આ બનાવના પગલે પ્રશાસન અને પોલીસ દ્વારા કોન્ટ્રાક્ટર અને સિક્યોરિટી ગાર્ડ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી લવામાં આવી છે. જોકે આ પુલના મેઇન્ટેનન્સ કામગીરીની જવાબદરી જેના માથે હતી, તે ઓરેવા કંપનીના માલિક જયસુખભાઇ પટેલ કે નગરપાલિકાના કોઇ અધિકારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો નથી, એફઆઈઆરમાં તેમનું નામ પણ નથી જે અત્યંત ચોંકાવનારી બાબત છે. ઝૂલતા પુલ હોનારતમાં ઓરેવાના જયસુખ પટેલને જવાબદાર ગણાવનાર મોરબી નગર સેવા સદનના ચીફ ઓફિસરને સરકાર દ્વારા સસ્પેન્ડ કરી સમગ્ર મામલે કશી કાર્યવાહી કર્યાનો સંતોષ માની લેવામાં આવ્યો છે. હાલ આ ઘટના સાથે સંકળાયેલા વ્યક્તિઓને આ અંગે કંઈક પૂછવામાં આવે છે ત્યારે તપાસ ચાલું છે તેવો ઉત્તર મળી રહ્યો છે.
ઝૂલતાં પુલ દુર્ઘટના માટે જવાબદાર ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ અંડરગ્રાઉન્ડ
- Advertisement -
મોરબી ઝૂલતા પુલ હોનારતના દસ-દસ દિવસ પછી પણ આ માનવસર્જિત દુર્ઘટના માટે જવાબદાર ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ અંડરગ્રાઉન્ડ છે. પોલીસને તેમની પૂછપરછ કરવામાં કે તેઓ ક્યાં સંતાઈને બેઠા છે તેની શોધખોળ કરી તપાસ કરવામાં રસ નથી. મોરબી ઝૂલતા પુલ જેવી હોનારત જ્યારેજ્યારે બની છે ત્યારેત્યારે હોનારતમાં મુખ્ય જવાબદાર વ્યક્તિનું નામ અચૂક હોય છે પરંતુ મોરબી ઝૂલતા પુલ હોનારતમાં મુખ્ય જવાબદાર વ્યક્તિ ઓરેવાના જયસુખ પટેલનું નામ ગાયબ છે. જયસુખ પટેલને બચાવવા માટે પોલીસ અને પ્રશાસન તરફથી પ્રયાસ થઈ રહ્યા હોય તેવો ઘાટ ઉપસી રહ્યો છે. આ દરમિયાન મોરબી ઝૂલતા પુલ હોનારત મામલે એ બાબત નોંધવા જેવી છે કે, દિલ્હીના ઉપહાર સિનેમા અગ્નિકાંડ, સુરતના તક્ષશિલા અગ્નિકાંડ, રાજકોટના ગોકુલ હોસ્પિટલ અને અમદાવાદના શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ તેમજ બોટાદના લઠ્ઠાકાંડમાં જવાબદાર જે-તે સિનેમા, ક્લાસિસ, હોસ્પિટલ કે કંપની માલિકો-સંચાલકો સામે માનવવધના ગંભીર ગુનાની કલમ લગાવવા આવી હતી એટલું જ નહીં આ તમામ દુર્ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવી હતી જ્યારે મોરબી ઝૂલતા પુલ હોનારતમાં આમાનું કશું થયું નથી. ઓરેવાના જયસુખ પટેલ સામે માનવવધની કલમ તો દૂરની વાત છે, સામાન્ય ફરિયાદ પણ નોંધાઈ નથી.
આ મામલાની તપાસ પણ સ્થાનીય પોલીસ અને તંત્ર કરી રહ્યું છે. મોરબી ઝૂલતા પુલ હોનારતના દસ દિવસ વીત્યા પછી લાગી રહ્યું છે કે, પોલીસ અને પ્રશાસન આ દુર્ઘટના મામલે ગંભીર નથી, મૃતકો-ઘાયલોના પરિવારજનોને ન્યાય અપાવવા માટે પ્રયત્નશીલ નથી. તેથી જ ગુજરાત હાઈકોર્ટને આ ઘટનાક્રમના આશરે એક સપ્તાહ બાદ સુઓમોટો દાખલ કરવાની ફરજ પડી છે. અદાલતે જણાવ્યું હતું કે, “મિ. એડવોકેટ જનરલ, આ હોનારત કાળજું કંપાવનારી હતી. તેમાં 100થી વધુના અકાળે મોત થયા છે. આ માટે અમે તેની સુઓમોટો નોંધ લઈએ છીએ. અમે એ જાણવા માગીએ છીએ કે અત્યારસુધીમાં તમે (સરકારે) શું પગલાં લીધા છે.” આમ, મોરબી ઝૂલતા પુલ હોનારતમાં પોલીસ અને પ્રશાસનના કુણા વલણ અને હોનારતના મુખ્ય જવાબદાર ઓરેવના માલિક જયસુખ પટેલ સામે કડક કાર્યવાહી ન કરવાના મામલે આ દુર્ઘટનામાં મૃતક-ઘાયલના પરિવારજનોથી લઈ સૌ કોઈ હતપ્રત છે.
ઉપહાર સિનેમા અગ્નિકાંડ: 59ના મોત થતાં મુખ્ય સંચાલકો અંસલ બંધુઓને 7 વર્ષની સજા, રૂ.2.50-2.50 કરોડનો દંડ
દિલ્હીના ઉપહાર સિનેમા અગ્નિકાંડમાં 59 લોકોના મોત થતા જવાબદાર સિનેમા સંચાલકો અંસલ બંધુઓ સુશીલ અને ગોપાલ પર માનવવધની કલમ લગાવાઈ હતી, સાત વર્ષની સજા પણ ફટકારવામાં આવી હતી. દિલ્હીની એક કોર્ટે આ મામલે બંને ભાઈઓને રૂ. 2.5-2.5 કરોડનો દંડ પણ ફટકાર્યો હતો. પાછળથી 30-30 કરોડ રૂપિયા જમા કરાવતા જામીન પણ આપ્યા હતા. કોર્ટ દ્વારા તેમને ઈજાગ્રસ્તોને કુલ 6.35 કરોડનું વળતર ચૂકવવા નિર્દેશ આપ્યો હતો. સાથે જ આ રકમનું વ્યાજ પણ ચૂકવવા માટે કહ્યું હતું.
તક્ષશિલા અગ્નિકાંડ: 22નાં મોત થતાં મુખ્ય ક્લાસિક સંચાલકો અને બિલ્ડરો સામે માનવવધનો ગુનો દાખલ કરાયો હતો
સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા. સમગ્ર મામલે ક્લાસિસ સંચાલકો અને બિલ્ડરોની બેદરકારી બહાર આવી હતી. પોલીસ દ્વારા તક્ષશિલા અગ્નિકાંડના જવાબદારો વિરુદ્ધ કલમ 304 (અ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
મોરબી ઝૂલતાં પુલ હોનારતમાં 135નાં મોત થયા તો પણ ઉચ્ચસ્તરીય તપાસ કેમ નહીં?
દિલ્હીના ઉપહાર સિનેમા અગ્નિકાંડમાં 59 લોકોના મોત થયા હતા, સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં 22 લોકોના મોત થયા હતા. રાજકોટની ગોકુલ હોસ્પિટલ અગ્નિકાંડમાં 6 અને અમદાવાદની શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં 8ના મોત થયા હતા. બોટાદ લઠ્ઠાકાંડમાં 59 જેટલા લોકોના મોત થયા હતા.
આ તમામ દુર્ઘટના કરતા મોરબી ઝૂલતા પુલ હોનારતમાં વધુ લોકોના મોત થયા છે એ જગજાહેર બાબત છે ત્યારે નોંધનીય છે કે, આ તમામ દુર્ઘટનાઓમાં 5થી લઈ 50 જેટલા લોકોના મોત થતા ઉચ્ચસ્તરીય તપાસ થઈ હતી, કેન્દ્રની તપાસ એજન્સી સીબીઆઈથી લઈ સ્થાનિક તપાસ પંચને રિપોર્ટ સોંપવા માટેની કામગીરી સોંપાઈ હતી. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો કરતા મોરબી ઝૂલતા પુલ હોનારતમાં મૃત્યુ પામેલા લોકોનો આંકડો ક્યાંય મોટો છે આમ છતાં મોરબી ઝૂલતા પુલ હોનારતમાં 135ના મોત થયા છે તો પણ સમગ્ર મામલાની તપાસ કેન્દ્રીય એજન્સીને સોંપવામાં કેમ આવી નથી? એ સવાલ અને શંકા ઉપજાવનાર છે.
શ્રેય હોસ્પિટલ: 8નાં મોત થતાં મુખ્ય સંચાલકો સામે માનવવધનો ગુનો દાખલ કરાયો હતો
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા ઈંઈઞમાં દાખલ 8 દર્દીઓના મોત થયા હતા. સમગ્ર મામલે હોસ્પિટલની બેદરકારી સામે આવી હતી. મુખ્ય ટ્રસ્ટી પાસે વહીવટ હોવાથી તેમની વિરુદ્ધ પોલીસે બેદરકારીનો ગુનો નોંધ્યો હતો. નવરંપુરા પોલીસ સ્ટેશનમાં બેદરકારી મામલે 336, 337, 338, 304(અ) મુજબ ગુનો નોધવામાં આવ્યો હતો.
ગોકુલ હોસ્પિટલ અગ્નિકાંડ: 6નાં મોત થતાં સંચાલકો સામે માનવવધનો ગુનો નોંધાયો હતો
રાજકોટમાં ગોકુલ હોસ્પિટલ સંચાલિત ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ઈંઈઞમાં આગ લાગતા 6 દર્દીઓનાં મોત થયાં હતા. સમગ્ર મામલે હોસ્પિટલની બેદરકારી બહાર આવતા મુખ્ય સંચાલક સહિત પાંચ લોકો પર ઇપીકો કલમ 304(અ), 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
લઠ્ઠાકાંડ : 50નાં મોત થતાં કેમિકલ કંપનીનાં મુખ્ય સંચાલકો સામે માનવવધનો ગુનો દાખલ કરાયો
બોટાદના બરવાળા-ધંધુકા પંથકમાં થયેલા લઠ્ઠાકાંડમાં આશરે 50 જેટલા લોકોના કેમિકલવાળા દારૂ પીવાથી મોત થયા હતા. કેમિકલવાળો દારૂ જે કંપનીમાંથી આવ્યો હતો તે કંપનીના માલિકો-સંચાલકો સમીર પટેલ સહિતના વિરુદ્ધ કલમ 304 (અ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
મોટી દુર્ઘટનાઓમાં મુખ્ય સંચાલકો પર જ માનવવધ ગુનો દાખલ કરાયો, મોરબી ઝૂલતા પુલ હોનારતમાં કેમ નહીં?
આજથી અઢી દસક અગાઉ દિલ્હીમાં થયેલો ઉપહાર સિનેમા અગ્નિકાંડ હોય, આજથી થોડા વર્ષો પહેલા ગુજરાતના સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ કે રાજકોટની ગોકુલ અને અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં થયેલો અગ્નિકાંડ હોય કે પછી થોડા મહિનાઓ અગાઉ બોટાદમાં થયેલો લઠ્ઠાકાંડ હોય.. આ તમામ ઘટનાઓમાં સિનેમા, હોસ્પિટલ, ક્લાસિસ કે કંપનીના મુખ્ય માલિકો સામે માનવવધની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. દિલ્હીના ઉપહાર સિનેમાથી લઈ સુરતના તક્ષશિલા અગ્નિકાંડ અને બોટાદ લઠ્ઠાકાંડમાં મુખ્ય સંચાલકો પર માનવવધનો ગંભીર ગુનો દાખલ કરાયો તો મોરબી ઝૂલતા પુલ હોનારતમાં કેમ નહીં? કેમ હજુ સુધી મોરબી ઝૂલતા પુલ હોનારત માટે મુખ્ય જવાબદાર એવા ઓરેવા કંપનીના જયસુખ પટેલ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એ મોટો પ્રશ્ર્ન છે.