પરેશ રાજગોર
ફેમસ સિરિયલ ’તારક મહેતા કા….’ માં ભીડે જ્યારે “હમારે જમાને મેં…” કરીને બોલવા જાય ત્યાં જ બાકીના પાત્રો તો ઠીક, વડીલ ચંપકચાચા પણ ટોકે છે કે …વો સબ જાને દે… આ અનુભવ દરેક ઘરમાં વડીલોને સંતાનો તરફથી અચૂક થતો જ હોય છે. જનરેશન ગેપ જેવું રૂપાળુ અંગ્રેજી નામ મળ્યા પહેલા જ ગુજરાતી ભાષાની કહેવતો ’ગઈ વાત ને બ્રાહ્મણ ય ન સંભારે’, ’વીતી ગયેલી વાત ન ગાડા નો ભરાય’ અથવા ’દાટેલ મડદા કોણ ઉખેડે’ વગેરે વડે એકબીજાને સમજાવી લેવાતા.
પરિવર્તનની પીડા ’વડીલ’ બનતા જ એટલે કે ઉંમરના ઉત્તરાર્ધએ પહોંચતા જ સમજાવા લાગી કે ક્યારેક ’અમારા જમાનામાં….’ થી શરૂ થતી બોરિંગ લાગતી વાતો જ વર્તમાનના વાવાઝોડા સામે શાંતિ અને સાંત્વના પહોંચાડે છે. તેથી જ આજે એ સમયની વાત કરવી છે જ્યારે બાળક કે યુવાન તરીકે અમારા જીવનમાં એવું કંઈ જ નહોતું જેના વિના ચાલે જ નહીં ને એ અકળામણ એટલી હદે વધી જાય કે કોઈપણ ઉંમરની વ્યક્તિ પોતાનો જીવ લેતા પણ અચકાય નહીં. સમજણની સફર શરૂ થઈ એ સમયગાળો – 1975 થી 1989ની અવધિનું એ રાજકોટ… ગુજરાતમાં બાબુભાઇ જશભાઈ પટેલની સરકારને કેન્દ્રમાં ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદીને ઉભો કરેલો સન્નાટો. કડક માસ્ટરની છડીના પ્રભાવની જેમ સમગ્ર વહીવટીતંત્ર અને સમાજ જાણે શિસ્તબદ્ધ થઈ ગયેલો.
- Advertisement -
એ સમયે રાજકોટની વસ્તી માત્ર સાડા ત્રણ લાખ. ટપાલી સવાર-સાંજ બે સમય આવે અને કોર્પોરેશનના નળમાં પાણી પણ બે ટાઈમ અને એ પણ એક-એક કલાક આવતું!! ભેળસેળનું પાપ હજુ પ્રજાના મનમાં પ્રવેશ્યું નહોતું. શુદ્ધ સીંગતેલ 5 કિલો, કેરોસીન 60 પૈસા લીટર, માચીસ 10 પૈસા અને બટેટા એક રૂપિયે કિલો. ચોખા ત્રણ રૂપિયે કિલો અને ઘઉં-બાજરો તો મણના હિસાબે વેચાય એટલા સસ્તા! પળેપળની ખબર આપતા મોબાઈલ નહોતા અને વર્તમાનપત્રો પણ માત્ર ત્રણ જ રાજકોટથી પ્રસિદ્ધ થતા છતાં જો કોઈ વસ્તુમાં બે-ચાર આનાનો ભાવવધારો થાય ત્યાં તો પ્રજામાં કાગારોળ મચી જતી. એ પણ ઓરીજીનલ હતી અત્યારના જેવી ફેક નહીં. રાજકોટથી પ્રસિદ્ધ થતાં ફૂલછાબ, જયહિંદ, નૂતન સૌરાષ્ટ્ર અને પાછળથી શરૂ થયેલ જનસત્તા પ્રજામાં મૂલ્ય ઘડતરનું કામ કરતા અત્યારની જેમ પેઈડ ન્યૂઝ છાપી ભડકાવવાનું નહિ. સંદેશ અને ગુજરાત સમાચાર અમદાવાદના ગણાતા જે સવારે નવ વાગ્યે આવતા, જેને ગણ્યા-ગાંઠ્યા લોકો ખરીદતા. સાંજના અખબારની કલ્પના પણ દૂર-દૂર સુધી નહોતી. મનોરંજન માટે હજુ ટીવી ઘેર ઘેર પહોંચ્યું નહોતું એટલે 14 સિંગલ સ્ક્રીન થિયેટર હતા તેનો દબદબો હતો. ગેલેક્સી, ગિરનાર, એસ્ટ્રોન, આમ્રપાલી, ઉષા(ધરમ), રાજશ્રી, શ્રીરાજ, એનેકસી, શ્રીકૃષ્ણ, હરિશ્ચંદ્ર, પ્રહલાદ, નિલકંઠ, ગેસ્ફોર્ડ અને ડિલકસ. ઇન્ટરવલમાં સેન્ડવીચ કે સિંગ ખાતા તોય પાંચ-દસ રૂપિયામાં રાજીખુશી પાછા આવી જતા. ગેસ્ફોર્ડ અને ગેલેકસીમાં ઓરીજીનલ અંગ્રેજી વર્ઝનમાં ફિલ્મો પ્રદર્શિત થતી. જાગરણમાં સ્પે. શો યોજાતા જેની ટિકિટ મેળવવી દુર્લભ મનાતી. રેડિયો હજુ પણ લોકપ્રિયતામાં ટોચ ઉપર હતો. જૂજ અમીર ગણાતા લોકો પાસે ફ્રીજ, લેન્ડલાઈન ફોન અને જવલ્લે જ મોટરકાર હોતી.
કોર્પોરેટ વર્લ્ડ જેવી ખાનગી શાળાઓ બહુ દુરની વાત હતી. છોકરાઓ માટે વિરાણી અને છોકરીઓ માટે વિદ્યાલયમાં ભણવું ગૌરવની વાત હતી. જોકે સૌરાષ્ટ્ર, ચૌધરી, આલ્ફ્રેડ, કરણસિંહજી, જી.ટી.શેઠ, કોટક, કાંતા વિકાસ, બાઈસાહેબબા વગેરેમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ રહેતી. અંગ્રેજી માધ્યમ માટે સેન્ટમેરી, સનશાઇન, જે એન કેજી, નિર્મલા અને રજવાડા બાદ ઉચ્ચવર્ગને તક મળેલી એવી રાજકુમાર જે બાર ધોરણ સુધીની સ્કૂલ હોવા છતાં કોલેજ કહેવાતી. કોલેજોમાં પી.ડી.એમનું નામ હતું જેના શીંગાળાસર શિસ્તનો પર્યાય ગણાતા. ત્રણ-ચાર કિમી ના દાયરામાં રહેલા ત્યારના રાજકોટનું હૃદય ગણાતું ત્રિકોણબાગ સમગ્ર શહેરનું કેન્દ્ર, એસટી સંચાલિત સીટીબસો ટ્રાન્સપોર્ટેશનનું સૌથી પ્રિય સાધન જે તમામ ત્રિકોણબાગ જાય. ત્રિકોણબાગે ભરાતી રાત્રિબજાર ખાણીપીણીના શોખીનોનું સ્વર્ગ. પ્રખ્યાત સોનાલી પાઉંભાજી, રામ ઓર શ્યામ ગોલા, વ્હી રાજુ વગેરેની શરૂઆત અહીં રેકડીથી જ થયેલી. સત્યવિજય અને શક્તિવિજયના સંચાના આઈસ્ક્રીમ બાદ મગનલાલ અને પટેલ આઈસ્ક્રીમ ખૂબ લોકપ્રિય બનવા લાગેલા. જયસીયારામ પેંડાવાલા દૂધ અને છાસ માટે પ્રખ્યાત હતા!!
1978માં રાજકોટને બ્રોડગેજ મળતા તે દેશના કેન્દ્ર સાથે જોડાઈ ગયું. તક મળતા જ આજે રાજકોટવાસીઓ દેશ-વિદેશ ફરવા ચાલ્યા જાય છે તેવું જ આકર્ષણ અમને માત્ર સાતમ-આઠમે સરકારી બસોમાં બેસીને રતનપર, ઈશ્વરીયા, જળેશ્વર જવાનું રહેતું ને બાકીના દિવસોમાં રોજ શાસ્ત્રી મેદાનમાં ભરાતા મેળાનો આનંદ લેતા. જન્માષ્ટમીની શોભાયાત્રા, ગણેશ ઉત્સવ, ડિસ્કો દાંડિયા કે થર્ટીફર્સ્ટની ઉજવણીનું ચલણ શરૂ નહોતું થયેલું. જ્યુબિલી અને રેસકોર્સ ફરવાના ફેવરિટ સ્થળ હતા.
શાંતિપ્રિય રાજકોટમાં ગુનાઓ જવલ્લે જ બનતા. નાતજાતના કોઈ ભેદભાવો નહોતાં અને સમાન જીવનધોરણને કારણે દેખાદેખી નહોતી. દિવસ રાત બાળકો શેરીઓમાં રમતા અને કિલ્લોલ કરતા. રાત્રે આસપાસના લોકો ઊંઘ ન આવે ત્યાં સુધી સાથે બેસતા અને પડોશીઓના સગાઓ પણ પોતાના ગણાતા જ્યારે આજે પડોશમાં કોણ રહે છે તેની ખબર ન હોવી એ ’પ્રાઇવસી’ નામે ખપી જાય છે. ટૂંકમાં કહીએ તો પણ કેટલું કહેવું… એટલું બધું છે. હા, પાણીના પાઉચના વેપલા પણ આ નજરોએ જોયા જેણે પાણીના પરબ બંધાવવાને પુણ્ય ગણતા લોકોને જોયેલા.