ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચુંટણીમાં પ્રથમ તબક્કા માટે થનાર મતદાન માટે ફોર્મ ભરવાની કામગીરીની મુદત પૂર્ણ થયા બાદ ગઈકાલે મંગળવારે તેની ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોરબી જીલ્લામાં આવતી 65 મોરબી – માળીયા, 66 ટંકારા – પડધરી અને 67 વાંકાનેર – કુવાડવા વિધાનસભા બેઠક માટે કુલ 80 ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાંથી ગઈકાલે ફોર્મ ચકાસણી દરમિયાન 30 ફોર્મ રદ થતા હવે 50 ઉમેદવારો ચુંટણી મેદાનમાં છે. મોરબી જીલ્લાની ત્રણેય બેઠકોના રીટર્નીંગ ઓફીસરની સીધી નજર હેઠળ ચાલેલ આ ચકાસણી કામગીરી દરમિયાન જે ઉમેદવારોએ એકથી વધુ ફોર્મ ભર્યા હોય, ડમી ફોર્મ અને ફોર્મમાં ક્ષતિ રહી ગઈ હોય તેવા જીલ્લામાંથી કુલ મળીને 30 ફોર્મ રદ થયા છે જેથી હવે મોરબી બેઠક પર 26 ઉમેદવારો, ટંકારા બેઠક પર 7 ઉમેદવારો અને વાંકાનેર બેઠક પર 17 ઉમેદવારો મળીને કુલ 50 ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. હવે આજે એટલે કે તા. 16 અને કાલે તા. 17 એમ બે દિવસ સુધી ફોર્મ પરત ખેંચવાની મુદત આપવામાં આવી છે. આ બે દિવસ દરમિયાન જો કોઈ ઉમેદવાર તેનું ફોર્મ પરત ખેંચી લેવા માંગતા હોય તો તેમને તક આપવામાં આવશે અને તા. 17 બાદ મોરબી જીલ્લાની ત્રણેય બેઠકો માટે કેટલા ઉમેદવાર ચુંટણી જંગમાં જંપલાવશે તેની સાચું ચિત્ર સામે આવી જશે.