પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સાંસદ ડૉ.વલ્લભ કથીરિયાને રાજકોટ AIIMSના અધ્યક્ષ બનાવાયા, આજે રાજકોટ આવી રહેલા ડાયરેક્ટરની હાજરીમાં સંભાળી શકે છે ચાર્જ.
કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી અને રાજકોટના પૂર્વ સાંસદ ડૉ. વલ્લભ કથીરિયાને મોટી જવાબદારી સોંપાઈ છે. ડૉ. વલ્લભ કથીરિયાને રાજકોટમાં નિર્માણ પામી રહેલી એઈમ્સ હોસ્પિટલના અધ્યક્ષ બનાવાયા છે. તેઓને કેન્દ્ર સરકાર દ્વારા આ જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ આજે રાજકોટ આવી રહેલા ડાયરેક્ટરની હાજરીમાં ચાર્જ સંભાળી શકે છે. આપને જણાવી દઈએ કે, ડૉ વલ્લભ કથીરિયા ગૌસેવા આયોગના ગુજરાતના અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓને 2019માં રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન બનાવાયા હતા.
- Advertisement -
કોણ છે ડૉ વલ્લભ કથીરિયા?
ડૉ.વલ્લભ કથીરિયાનો જન્મ 30 નવેમ્બર 1954ના રોજ થયો હતો. તેઓ ભારતની 14મી લોકસભાના સભ્ય હતા. તેઓ ગુજરાતના રાજકોટ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેઓ વાજપેયી મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી હતા. બાદમાં ડૉ.વલ્લભ કથીરિયાને ગુજરાતના ‘ગૌ સેવા આયોગ’ના અધ્યક્ષ બનાવાયા હતા. 2019માં ડૉ.વલ્લભ કથીરિયાને રાષ્ટ્રીય કામધેનુ આયોગ (RKA), ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગ હેઠળ સ્થાપિત સરકારી સંસ્થાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
રાજકોટ એઈમ્સની કામગીરી પૂર્ણતાને આરે
ગુજરાતની એકમાત્ર એઈમ્સ હોસ્પિટલ રાજકોટમાં સ્થાપિત છે. રાજકોટ એઇમ્સ ખાતે ઓપીડી સેવા શરૂ કરી દેવામાં આવી છે. એઇમ્સના સંચાલકો દ્વારા ગત જાન્યુઆરી માસથી ઓપીડીની શરૂઆત કરી દેવામાં આવી છે. જેનો લાભ અનેક લોકો લઇ રહ્યા છે. અનેક દર્દીઓ ઓપીડી તથા ટેલીઓપીડીનો લાભ લઇ રહ્યા છે. ટૂંક સમયમાં હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાની શરૂઆત કરાશે. સપ્ટેમ્બર માસના અંતમાં 250 બેડની ઇન્ડોર હોસ્પિટલ કાર્યરત થશે.
- Advertisement -
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ લીધી હતી મુલાકાત
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં જ એઇમ્સ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મનસુખ માંડવિયાએ આ કામગીરીને લઇને સમીક્ષા કરી હતી અને એઇમ્સનું કામ ઝડપથી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની ટકોર બાદ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આગામી સપ્ટેમ્બર માસના અંત સુધીમાં આ કામગીરી પૂર્ણ થઇ જશે અને ઇન્ડોર હોસ્પિટલની શરૂઆત થશે.
સૌરાષ્ટ્રના દર્દીઓ માટે ખૂબ જ આર્શિવાદરૂપ સાબિત થશે
આ હોસ્પિટલમાં જનરલ સર્જરી, સગર્ભા મહિલાઓની પ્રસુતિની સુવિધા ઉપલબ્ધ કરાશે. સાથે જ ઓર્થોપેડિક ઓપરેશન, હૃદય રોગના દર્દીની સારવાર સહિતની સુવિધા અપાશે. હોસ્પિટલ શરૂ થવાથી સૌરાષ્ટ્ર તેમજ કચ્છના લોકોને લાભ મળશે.