ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા અંબરીષ ડેરનું શક્તિપ્રદર્શન યોજાયું હતું. રાજુલા માર્કેટીંગ યાર્ડ ખાતે લોક સુખાકારી માટે ત્રિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં આલ્ફા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી, રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનો ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી સહિત આગેવાનોના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણીના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. ખાસ કરીને ખેડૂતો, ખેત મજૂરો તથા નાના અને મધ્યમ વર્ગના વ્યવસાયને વધુ વેગ મળે તે માટે હેતુથી સહકારી ક્ષેત્રમાં અંબરીષ ડેર દ્વારા શુભારંભ કર્યો હતો. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી શાખા રાજુલામાં શરૂ કરતાં લીલીઝંડી આપીને રેડ ક્રોસ સોસાયટીના રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.
- Advertisement -
લોક સુખાકારી માટે સહકારી ક્ષેત્રે લોકોને મદદરૂપ થવાની ભાવના સાથે વિવિધ સહકારી સંસ્થાઓનો શુભારંભ કરાયો હતો. આ સાથે આગેવાનોએ દિલીપ સંઘાણી અને અંબરીષ ડેરનુ ફુલહાર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ નાગરિક બેંકના ચેરમેન મહેન્દ્રભાઇ ધાખડા તથા ડીરેકટરો દ્વારા દિલીપભાઇ સંઘાણી તથા અંબરીષ ડેરનુ મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. તેમજ લોક સુખાકારી માટે ત્રિવિધ કાર્યક્રમ બદલ અંબરીષ ડેરના સમર્થકો દ્વારા શુભેરછા બોર્ડ પર શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં અમરેલી અમર ડેરી ચેરમેન અશ્વિનભાઇ સાવલિયા, મનીષભાઇ સંઘાણી, ભાવનાબેન ગોંડલીયા, મનુભાઇ ધાખડા, ડો. કાનજી બલદાણીયા, રાજુલા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઇ ચાંદુ, મનીષભાઇ વાળા, ઘનશ્યામભાઇ લાખણોત્રા, દીપકભાઇ ઠક્કર, રમેશભાઇ લાખણોત્રા, લાલાભાઇ વાઘ, અલ્પેશભાઇ દુધાત તેમજ રાજકીય- સામાજીક આગેવાનો, વેપારીઓ, શહેરજનો, આસપાસ ગામના સરપંચો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.