92 વર્ષના પીઠ કોંગ્રેસી નેતાએ દિલ્હીની એઈમ્સમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા
ખડગે-રાહુલ ગાંધી દિલ્હી પહોંચ્યા, કોંગ્રેસના આજના તમામ કાર્યક્રમો રદ : સોનિયા ગાંધી-પીએમ મોદી સહિતના નેતા, ઉદ્યોગપતિઓએ શ્રદ્ધાંજલિ પાઠવી
- Advertisement -
વર્ષ 2006માં બીજી વખત બાયપાસ સર્જરી કરાવ્યા પછી મનમોહનસિંહનું સ્વાસ્થ્ય સતત નબળું રહ્યું હતું.
ભારતને આર્થિક પતનમાંથી બહાર લાવનારા અને આર્થિક સુધારાના ઘડવૈયા ડૉ. મનમોહનસિંહનું ગુરુવારે રાતે દિલ્હીમાં ૯૨ વર્ષની જૈફ વયે નિધન થયું હતું. કોંગ્રેસે શુક્રવારના તેના બધા જ કાર્યક્રમો રદ કર્યા છે. બે વખત વડાપ્રધાન બનનારા મનમોહન સિંહના નિધનના સમાચારથી દેશભરમાં શોક વ્યાપી ગયો છે. કોંગ્રેસ પ્રમુખ ખડગે અને રાહુલ ગાંધી બેલગાવીથી દિલ્હી દોડી આવ્યા હતા. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત બધા જ વરિષ્ઠ નેતાઓએ દેશના વિકાસમાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી અને શોકસંદેશ પાઠવ્યો હતો.
મનમોહનસિંહના નિધનના સમાચાર સાંભળી ભાજપ પ્રમુખ જેપી નડ્ડા એઈમ્સ દોડી ગયા હતા. આ સાથે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી, પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત દેશભરના ટોચના નેતાઓએ દેશના વિકાસમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના યોગદાનને યાદ કરતાં શ્રદ્ધાંજલિ આપી હતી.
- Advertisement -
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શ્રદ્ધાંજલિ આપતા એક્સ પર પોસ્ટમાં લખ્યું કે, મનમોહનસિંહજીએ બુદ્ધિમતા અને પ્રમાણિક્તાથી દેશનું નેતૃત્વ કર્યું. તેમની વિનમ્રતા અને અર્થતંત્ર અંગે ઊંડી સમજે સમગ્ર દેશને પ્રેરિત કર્યો. શ્રીમતિ કૌર અને તેમના પરિવાર પ્રત્યે મારી હાર્દિક સંવેદના. મેં એક માર્ગદર્શક ગુમાવી દીધા. પીએમ મોદીએ એક્સ પર પોસ્ટમાં લખ્યું, ભારતે આજે તેના સૌથી પ્રતિષ્ઠિત નેતાઓમાંના એક ડૉ. મનમોહનસિંહને ગુમાવ્યા છે. પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી મનમોહનસિંહે નાણામંત્રી સહિત સરકારના વિવિધ પદો પર સેવા આપી અને વર્ષો સુધી આપણા અર્થતંત્ર પર અસર કરે તેવા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. દેશના લોકોનું જીવનધોરણ ઊંચું લાવવા માટે વડાપ્રધાન તરીકે તેમના પ્રયાસો પ્રશંસનીય હતા.
મનમોહનસિંહે વર્ષ ૨૦૦૬માં બીજી વખત બાયપાસ સર્જરી કરાવી હતી. ત્યાર પછીથી તેઓ સતત બીમાર રહેતા હતા. તેઓ વર્ષ ૨૦૦૪થી ૨૦૧૪ સુધી બે વખત વડાપ્રધાન રહ્યા હતા. ભારતના ટોચના અર્થશાસ્ત્રીઓમાં તેમનું સ્થાન હતું. તેમણે ચંડીગઢમાં પંજાબ યુનિવર્સિટી અને ગ્રેટ બ્રિટનમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટની પદવી મેળવી હતી. મનમોહનસિંહને હંમેશા તેમના સરળ અને શાંત સ્વભાવ માટે યાદ રખાશે. ડૉ. મનમોહનસિંહે નાણામંત્રી તરીકે વર્ષ ૧૯૯૧માં ભારતને આર્થિક પતનમાંથી બહાર કાઢતા આર્થિક ઉદારીકરણની શરૂઆત કરી હતી, જેમાં ઉદ્યોગો પર સરકારી નિયંત્રણમાં ઘટાડો, પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ)ને વધારવું અને માળખાગત સુધારા લાગુ કરવાનો સમાવેશ થાય છે. તેમના આ આર્થિક સુધારાઓએ ભારતનું અર્થતંત્ર વૈશ્વિક બજારો માટે ખોલી નાંખ્યું હતું.