સિંહની સુરક્ષામાં લોકફાળાનો વન વિભાગનો સ્વીકાર
લોકો સિંહ અને જંગલને બચાવવા મદદ કરે છે તો ઇકો સેન્સિટિવ ઝોન શું કામ ?
- Advertisement -
સરકાર અને વન વિભાગના બેવડા વલણથી લોકોમાં ભારે ચર્ચા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
જૂનાગઢ, ગિર-સોમનાથ, અમરેલી જિલ્લામાં ઇકો સેન્સેટીવ ઝોનને લઇ વિરોધ ચાલી રહ્યો છે વન વિભાગે જાહેર કરેલા ઇકો સેન્સેટીવને લઇ ખેડૂતોમાં ભારે રોષ છે અને છેલ્લા લાંબા સમયથી આ વિરોધ ચાલી રહ્યો છે પરંતુ હજુ સુધી વન વિભાગ આ મુદ્દે પોતાનું આકરું વલણ છોડવા તૈયાર નથી. બીજી તરફ ખુદ વન વિભાગે પણ આડકતરી રીતે સ્વીકાર કર્યો છે કે સિંહની સુરક્ષા અને સર્વધનમાં લોકોનો સહકાર મળ્યો છે. હવે વન વિભાગ સિંહની સુરક્ષામાં લોકોને પોતાના સહાયક માનતા હોય તો ઇકો સેન્સેટવને લઇ કેમ આકરું વલણ અપનાવી રહ્યુ છે તે પણ એક સવાલ છે. વિશ્ર્વમાં એશિયાઈ સિંહનું એકમાત્ર નિવાસ સ્થળ ગીર છે. ગુજરાતનું ગૌરવ એશિયાઈ સિંહ સૌરાષ્ટ્રના 20,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં મુક્તપણે પરિભ્રમણ કરે છે. જેના સંરક્ષણમાં વન વિભાગની સાથે સાથે સૌરાષ્ટ્રના લોકોનો પણ ખૂબ જ મોટો ફાળો રહેલો છે.
સ્થાનિક લોકોના સહકારને કારણે આજે ગીર સંરક્ષિત વિસ્તાર, સિંહોની વસ્તીના સંરક્ષણ અને માનવીય પ્રભુત્વ ધરાવતી જગ્યા ઉપર પણ સિંહની વસ્તીમાં વધારો દર્શાવતી એક અદ્ભુત વાત બની છે. આ અવિરત પ્રયાસનો લાભ લઈને સિંહો હવે જોખમની બહાર આવી ગયા છે, અને અગાઉ જ્યાંથી તેઓ નામશેષ થઈ ગયા હતા તેવા વિસ્તારોમાં પણ પોતાની વસાહતો પુન:સ્થાપિત કરી છે. સિંહની અત્યાર સુધીની જીવન સફર ખરેખર ખૂબ જ કપરી રહી છે, પરંતુ જંગલના રાજા એશિયાઈ સિંહોએ કપરા સમયમાંથી ઉભરીને સિંહ પ્રજાતિ ખરેખર જંગલનો રાજા હોવાનું સાબિત કરી દીધું છે. અને તેથી જ ગીર જંગલ માત્ર પારસ્પરિક મહત્વતા નથી ધરાવતો પરંતુ તે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને નૈતિક મૂલ્યોની દ્રષ્ટિએ પણ ગુજરાતના લોકોના હૃદય સ્થાનમાં બિરાજે છે. જેનું જતન કરવું તે વન વિભાગના સ્ટાફની સાથે ગુજરાતની ગૌરવંતી પ્રજાની પણ ફરજ છે. જેથી વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોના વન વિભાગને સહકાર તથા સહાયક બનવા માટે જાણ કરવામાં આવે છે. બીજી તરફ ઇકો સેન્સેટીવ ઝોન જાહેર થયા બાદ જૂનાગઢ, ગિર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં વિરોધનો વંટોળ ફુકાયો છે ઘણા લાંબા સમયથી ખેડૂતો અને કિશાન આગેવાનો તેનો વિરોધ કરી રહ્યા છે. તાજેતરમાં કિસાન સંઘ સહિતની ખેડૂત સંસ્થાઓએ સરકારને મળી આ મુદ્દે ચર્ચાઓ પણ કરી હતી અને ખેડૂતોને પડતી વિવિધ મુશ્કેલીઓને લઇ રજૂઆત કરી હતી. ઇકો સેન્સેટીવ ઝોનથી થનાર હાલાકીના 16 મુદ્દાની સરકારને રજુઆત કરી હતી પરંતુ હજુ સુધી સરકાર કે વન વિભાગ આ મુદ્દે કોઇ ખાસ એકશનમાં આવ્યુ નથી.
- Advertisement -
વન વિભાગનું બેવડું વલણ
ઇકો સેન્સેટીવ ઝોનને લઇ સરકાર અને વન વિભાગનું બેવડુ વલણ સામે આવ્યુ છે ખુદ વન વિભાગ એવુ સ્વીકારે છે કે, સિંહ જે જગ્યાએ લુપ્ત થયા હતા ત્યાં ફરી વસવાટ થઇ રહ્યો છે તેમજ લોકોનો સહકાર પણ મળી રહ્યો છે આ વાતનો અર્થ એ થયો કે, લોકો સિંહ કે, જંગલને નુકશાન કરવા માંગતા નથી અને સિંહના સરંક્ષણ અને સર્વધનમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે પરંતુ વન વિભાગ કોઇપણ સંજોગોમાં ઇકો સેન્સેટીવ ઝોન લાગુ કરવા માંગે છે વન વિભાગને આ બેવડુ વલણ લોકોના મગજમાં બેસતુ નથી.
વન વિભાગે આવી કરી અપીલ
વન્યપ્રાણી અવરજવર વાળા વિસ્તારોમાં ખેડૂતોને પાક રક્ષણ માટે ઈલેક્ટ્રીક શોક ન મૂકવા માટે નમ્ર અપીલ કરવામાં આવે છે. ઈલેક્ટ્રીક શોકના કારણે વન્ય પ્રાણીઓની સાથે સાથે ઘણી વખત તેમના કીંમતી પશુઓ તેમજ લોકોનો પણ ભોગ બનવો સામે આવેલ છે, માટે ખેતર ફરતે ઈલેક્ટ્રીક શોક ન મૂકવો જોઈએ. ઉપરાંત વન્યપ્રાણી પરિભ્રમણ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ માટે જોખમરૂપ ખુલ્લા કુવાઓ સુરક્ષિત કરવા જોઈએ. આ ખુલ્લા કુવાઓ સુરક્ષિત કરવા માટે ગુજરાત સરકારની હાલમાં ચાલતી ખુલ્લા કુવા પારાપેટ હોલ બાંધી સુરક્ષિત કરવા અંગેની યોજના જેમાં 90% સબસીડી સરકાર તરફથી આપવામાં આવે છે. જેનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે. રેવન્યુ વિસ્તારમાં પરપ્રાંતીય લોકો રહેતા હોય છે, જે મૂળ શિકારી પ્રવૃત્તિથી ટેવાયેલા હોય છે. આવા કોઈ શંકાસ્પદ કે શિકારી પ્રવૃત્તિઓ ધ્યાને આવે તો નજીકના વન વિભાગની કચેરી અથવા તો ટોલ ફ્રી નંબર 1800 233 0789 અથવા 1926 પર સંપર્ક કરવા નાયબ વન સંરક્ષક ગીર પશ્ચિમ વિભાગ દ્વારા અખબારી યાદીમાં જણાવેલ છે.