મેળામાં આવનાર લોકો માટે જરૂરી વનતંત્રની માર્ગદર્શિકા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢના ભવનાથ તળેટીમાં 57.00 એકર વાળી રેવન્યુ જમીન વિસ્તારમાં તા.22 થી 26 ફેબ્રુ.સુધી મહાશિવરાત્રી મેળો ભરાવાનો હોવાથી આ મેળામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવવા સંભવ છે. આ 57.00 એકર વાળી રેવન્યુની જમીન ફરતે “ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય’નો વિસ્તાર આવેલ છે, જેમાં વન્યપ્રાણી અને પર્યાવરણ ના હિતોની જાળવણી તથા નિયમન કરવાની જરૂરીયાત જણાય છે.
જેના ભાગરૂપે નિયમોનું પાલન કરવા જાહેર જનતા તથા લાગતા વળગતા સરકારી અધિકારીઓ તથા અન્ય આયોજકો ને અનુરોધ કરવામાં આવ્યો છે.મહા શિવરાત્રી મેળાને સંલગ્ન સુવિધાઓ જેવી કે ઉતારા, દુકાનો વિગેરે મેળા વિસ્તારમાં ઉભી કરવાની હોય છે. ગુજરાત હાઇકોર્ટના પી.આઇ.એલ.ના દિશાનિર્દેશથી પ્લાસ્ટીકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જે અન્વયેના વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકારના તા.22/05/2019 ના પરિપત્ર થી અભયારણ્ય/રાષ્ટ્રીય ઉદ્યાનના વિસ્તારમાં પ્લાસ્ટીક ઉત્પાદનો, પેદાશ, ચીજવસ્તુઓ, પેકીંગ મટીરીયલ્સ વગેરે લઇને પ્રવેશ કરવા તથા ગમે ત્યાં ફેંકવા પર મનાઇ ફરમાવવામાં આવેલ હોય ઉલ્લંઘન થયે વન્યપ્રાણી અધિનિયમ-1972 ની જોગવાઇ અનુસાર દંડ/સજાને પાત્ર ઠરશે. આ જંગલ વિસ્તારને કે તેમાં રહેતા વન્યજીવોને નુકશાન કરવું નહી. તેમજ ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય” વિસ્તારમાં કોઇપણ ઇસમ પરવાનગી વગર પ્રવેશ કરી શકશે નહી અને ફાયર આર્મસ, બંદુક, કુહાડા, તલવાર, ધારીયા જેવા ઘાતક હથિયાર સાથે લઇ જઇ શકશે નહી. અને છાવણી, તંબુ, રેકડી કે સ્ટોલ રાખી શકશે નહી. તથા વન પેદાશો કે ઝાડ પાનને કાપીને લઇ જશે અથવા તેને નુકશાન કરશે તો ધોરણસરની કાર્યવાહી થશે. થતા વન્યપ્રાણીઓને ખલેલ ન પડે તે માટે પ્રકાશવાળી યંત્ર સામગ્રી વધુ ઘોંઘાટ થાય તેવા ટેપ, રેડીયો, લાઉડ સ્પીકર, ટી.વી. વિગેરેનો ઉપયોગ કરી શકાશે નહી.તેમ નાયબ વન સંરક્ષકશ્રી દ્વારા અખબારી યાદીમા જણાવાયુ છે.