ખાસ-ખબર ન્યૂઝ મોરબી
વાંકાનેર તાલુકા અને સિટી પોલીસ સ્ટેશન દ્વારા જુદા જુદા દરોડામાં ઝડપાયેલ કુલ ₹1,43,67,502 ની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો હતો. વાંકાનેર-ચોટીલા નેશનલ હાઈવે પર ગારીડા અને રંગપર ગામ વચ્ચે, હોટેલ તીરથ નજીક આવેલા જૂના પડતર ડામર રોડ પર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન હેઠળના 18 પ્રોહિબિશનના ગુનાઓમાં પકડાયેલ 32,029 બોટલ વિદેશી દારૂ, જેની કિંમત ₹1,42,88,680 થતી હતી, તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન હેઠળના 6 ગુનાઓમાં જપ્ત કરાયેલ 166 બોટલ વિદેશી દારૂ, જેની કિંમત ₹78,822 હતી, તેનો પણ આ જ સ્થળે નાશ કરવામાં આવ્યો હતો. આમ, કુલ 24 ગુનાઓમાં પકડાયેલ 32,195 બોટલ વિદેશી દારૂનો વિશાળ જથ્થો પોલીસ અધિકારીઓની હાજરીમાં રોલર ફેરવીને નષ્ટ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી દારૂબંધીના કાયદાના અમલીકરણ પ્રત્યે પોલીસ તંત્રની પ્રતિબદ્ધતા ફરી એકવાર સ્પષ્ટ થઈ છે.
વાંકાનેરમાં રૂ. 1.43 કરોડથી વધુના વિદેશી દારૂનો નાશ કરાયો
