ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવાનું ચલણ ધીમે ધીમે વધી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં ક્રેડિટ કાર્ડની બાકી રકમમા 30 ટકાનો વધારો થયો છે. જે સમગ્ર બેંક લોનની સરખામણીમાં બે ગણી વધી છે.
એપ્રિલમાં ક્રેડિટ કાર્ડની બાકી રકમ પ્રથમ વખત બે લાખ કરોડ રૃપિયાથી વધી ગઇ છે. જો કે બેંકોનું માનવું છે કે આ અંગે ચિંતા કરવાની જરૃર નથી કારણકે ક્રેડિટ કાર્ડની બાકી રકમનો હિસ્સો ખૂબ જ ઓછો છે.
- Advertisement -
જો કે આરબીઆઇએ અનસિકયોર્ડ બેંક ક્રેડિટમાં વધારા અંગે ચિંતા વ્યક્ત કરી છે. આરબીઆઇના જણાવ્યા અનુસાર એપ્રિલ, 2023માં ક્રેડિટ કાર્ડનું બેલેન્સ 2,00,258 કરોડ થઇ ગયું છે. જે ગયા વર્ષના એપ્રિલની સરખામણીમાં 29.7 ટકા વધારે છે. ક્રેડિટ કાર્ડની બાકી રકમમાં વધારાનો અર્થ થાય છે કે લોકો પર દેવું વધી રહ્યું છે અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધી રહ્યો છે. એપ્રિલ, 2023માં 1.3 લાખ કરોડ રૃપિયાના ટ્રાન્ઝેકશન ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવ્યા હતાં.
ક્રેડિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શનમાં વધારો થવાનો અર્થ થાય છે કે ગ્રાહકોનો વિશ્વાસ વધી રહ્યો છે. જો કે આઉટ સ્ટેન્ડિંગ બેલેન્સ વધવાનો અર્થ થાય છે કે લોકોને વસ્તુઓ ખરીદવા માટે વધારે પેમેન્ટ કરવું પડી રહ્યું છે.
જો કે બેંકની કુલ ક્રેડિટમાં ક્રેડિટ કાર્ડની હિસ્સેદારી ફક્ત 1.4 ટકા છે. હોમ લોનની હિસ્સેદારી 14.1 ટકા છે. ઓટો લોનની હિસ્સેદારી 3.7 ટકા છે. 2008ના ગ્લોબલ ફાઇનાન્સિયલ ક્રાઇસિસ અગાઉ ક્રેડિટ કાર્ડની બાકી રકમ 1.2 ટકાએ પહોંચી ગઇ હતી. ત્યારબાદ એક દાયકા સુધી તે એક ટકાથી નીચે રહી હતી. ઓગસ્ટ, 2019માં બાકી રકમ એક ટકાથી વધી ગઇ હતી અને ત્યારથી તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
જો કે વસ્તીની દ્રષ્ટિએ જોઇએ તો ભારતના ફક્ત પાંચ ટકા લોકો પાસે જ ક્રેડિટ કાર્ડ છે. આ સંખ્યા અન્ય વિકાસશીલ દેશો કરતા ખૂબ જ ઓછી છે.