ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ ઘટના
રાજકોટમાં ACP ક્રાઈમ તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ અમદાવાદના DCP ડો.હર્ષદ પટેલ, સુરતના DCP પન્ના મોમાયા, અમદાવાદ ઝોન-4 DCP રાજેશ ગઢીયા સહિત 25 DySPને મળશે પ્રમોશન
ખાસ-ખબર સંવાદદાતા
ઈન્ડિયન પોલીસ સર્વિસ (આઈપીએસ) બનવાનું હર કોઈનું સ્વપ્ન હોય છે અને તેને પૂર્ણ કરવા માટે રાત-દિવસ એક પણ કરવામાં આવતા હોય છે. ખાખી પહેરીને દેશસેવા કરવાથી વિશેષ બીજું કશું હોઈ પણ ન શકે એટલા માટે ખાખીનો માભો જ કંઈક અલગ હોય છે. બીજી બાજુ અનેક ક્ષેત્રમાં ઈતિહાસ રચ્યા બાદ હવે પોલીસમાં પણ ગુજરાત હરણફાળ ભરી રહ્યું હોય તેવી રીતે ઈતિહાસમાં પહેલી વખત એક સાથે 25 જેટલા ગુજરાતીઓને આઈપીએસનું પ્રમોશન મળવા જઈ રહ્યું છે. આ 25 ગુજરાતીઓમાં રાજકોટમાં એસીપી ક્રાઈમ તરીકે પ્રશંસનીય ફરજ બજાવી ચૂકેલા ડો.હર્ષદ પટેલ સહિતનાનો સમાવેશ થાય છે.
- Advertisement -
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટૂંક સમયમાં 25 જેટલા ડીવાયએસપી તરીકે ભરતી થયેલા અધિકારીઓને આઈપીએસ તરીકે પ્રમોશન આપવામાં આવશે. આ અંગેની પ્રક્રિયાઓ પણ પૂર્ણ થઈ ગયાનું રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ જણાવ્યું છે ત્યારે આવનારા દિવસોમાં એક સાથે 25 જેટલા ગુજરાતી અધિકારી આઈપીએસ તરીકે ફરજ બજાવશે.
જે ડીવાયએસપીને આઈપીએસનું પ્રમોશન મળવાનું છે તેમાં સુરતના ડીસીપી પન્ના મોમાયા, રાજકોટમાં એસીપી ક્રાઈમ તેમજ હાલ અમદાવાદના ડીસીપી (કંટ્રોલરૂમ) ડો.હર્ષદ પટેલ, અમદાવાદ ઝોન-4ના ડીસીપી રાજેશ એચ.ગઢિયા સહિત 25 ડીવાયએસપીનો સમાવેશ થાય છે. ગુજરાતના ઈતિહાસમાં એક સાથે 25 આઈપીએસ બન્યા હોય તેવું આ પહેલાં ક્યારેય બન્યું નથી.જો કે આ વખતે 2011ની બેચના ડીવાયએસપી બનેલા જીપીએસસીના અધિકારીઓની બેચને આ લાભ મળશે.