તપાસ દરમિયાન સડેલો 325 કિલો ગ્રામ બદામનો જથ્થો નષ્ટ કરવામાં આવ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
દિવાળીના તહેવારો દરમિયાન લોકો મીઠાઈ તથા સૂકામેવાની વધુ માંગ જોવા મળતી હોય છે. જેના કારણે ભેળસેળ અને એક્સપાયર થયેલ ડેટનું વેચાણ થવાની સંભાવના થતી હોય છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ અલગ અલગ વિસ્તારમાં ડ્રાયફ્રુટ અંગેના સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અલગ અલગ ટીમ બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. જે પૈકી રવિરત્ન પાર્ક ચોક પાસે, રવિરત્ન સોસાયટી શેરી નં.2 કોર્નર, બ્લોક નં, ઊ-270, યુનિવર્સિટી રોડ, રાજકોટ મુકામે આવેલ ડ્રાયફ્રુટનું પ્રોસેસિંગ કરતી પેઢી ‘ગોકુલ એન્ટરપ્રાઇઝ’ પેઢીની તપાસ કરવામાં આવી હતી. પેઢીની તપાસ દરમિયાન સ્થળ પર મશીન પર બદામ(ડ્રાયફ્રુટ)નું કટિંગ પ્રોસેસિંગ કરતાં જોવા મળેલ કે સડેલો(કાણાવાળા), ડેમજ થયેલો તેમજ ખોરા થયેલો માલૂમ પડેલ તેમજ સ્થળ પર સંગ્રહ કરેલી બોરીઓમાં રહેલ કુલ આશરે 325 કિ.ગ્રા. અંદાજીત કિંમત રૂ. 2 લાખનો જથ્થો તપાસતા સડેલો, ખોરો તથા માનવ આહાર માટે અયોગ્ય હોવાનું હાજર ફૂડ બિઝનેશ ઓપરેટરે સ્વીકાર્યું હતું. બિન આરોગ્યપ્રદ જથ્થો માનવ આહાર માટે ફરીથી ઉપયોગમાં ન લેવાય તે હેતુથી સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ફૂડ વિભાગના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય રાજકોટના નાગરિકોને તંદુરસ્ત અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સાથે, રાજકોટ મહાનગરપાલિકાએ તમામ ખાદ્ય વિક્રેતાઓને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટનું ચુસ્તપણે પાલન કરવાની અને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન કરવા ચેતવણી આપી છે. પરંતુ જ્યાં સુધી નક્કર પગલાં ન લેવાય ત્યાં સુધી ભેળસેળિયા તત્વો સુધરશે નહીં. વધુમાં, દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ ઝુંબેશ હજુ પણ ચાલુ જ રાખવામાં આવી છે. જે અંતર્ગત ફિલ્ડ ઓફિસરો દ્વારા સતત ચકાસણી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.