આંબામાં મોર ફૂટવાની શરૂઆત માટે હાલનું વાતાવરણ અનુકૂળ
જો માવઠું, ઝાકળ અને ભેજવાળા પવનનું પ્રમાણ વધે તો નુકસાનીની શક્યતા
- Advertisement -
હાલના વાતારણથી કેસર કેરીનું સારું ઉત્પાદન થવાની ખેડૂતોને આશા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
જૂનાગઢ જિલ્લામાં ગીરની કેસર કેરી વિશ્વ વિખ્યાત છે.ત્યારે આ વર્ષે ખેડૂતોના મતે હાલનું વાતાવરણ અનુકૂળ હોવાને લીધે કેસર કેરીનો પાક સારો થવાની સંભાવના ખેડૂતો સેવી રહ્યા છે હાલ ડિસેમ્બર મહિનામાં ફ્લાવરિંગ બાંધવાનું શરુ થયું છે અને જાન્યુઆરી અંત સુધી ફ્લાવરિંગ બંધાશે જે રીતે આંબાવાડિયુંમાં મોર ફૂટવાની શરૂઆત જોવા મળે છે તે ખેડૂતો માટે સારા સમાચાર છે.અને જે રીતે ઠંડી પડી રહી છે આંબાવાડિયું માટે ખુબ સારી બાબત જોવા મળી રહી છે.આજ રીતે વાતાવરણ રહ્યું તો કેસર કેરીના પાકનું ઉત્પાદન વધવાની પુરી શક્યતાઓ જોવા મળી રહી છે. વિસાવદર તાલુકાના રતાંગ ગીર ગામના સંજયભાઈ વેકરીયા કેસર કેરીના ખુબ જાણકાર અને કેસરની કલમોનું સૌથી વધુ ઉત્પાદન કરતા ખેડૂત છે. અને રાજ્ય સરકાર દ્વારા અનેક કૃષિ એવોર્ડથી સન્માનિત થયા છે અને તેની પાસે અલગ અલગ 70 જેટલી કેરીની જાતોનું ઉત્પાદન કરીને ગુજરાત નહિ પણ વિદેશમાં પણ ડંકો વગાડ્યો છે.ત્યારે સંજયભાઈએ ખાસ ખબર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કેસર કેરીની સીઝન શરૂઆતના પ્રારંભે આંબાવાડિયુંમાં ફ્લાવરિંગની શરૂઆત થવાની પ્રક્રિયા શરુ થઇ છે.આ ફ્લાવરિંગ પ્રક્રિયા જાન્યુઆરીના અંત સુધી ચાલશે ત્યારે આંબાના બગીચામાં મોર ફૂટવાની જે શરૂઆત થઇ છે તેના માટે વાતાવરણ હાલ અનુકૂળ છે.અને જો આજ રીતે વાતાવરણ અનુકૂળ રહ્યું તો કેસર કેરીનું ઉત્પાદન વધવાની પુરી શક્યતા જોવા મળી રહી છે. વધુમાં જણાવ્યું કે, જે રીતે આગામી દિવસોમાં માવઠું થવાની સંભાવના સેવાઈ રહી છે.ત્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી સહીત ગીર વિસ્તારમાં આંબાના બગીચા પુષ્કળ પ્રમાણમાં આવેલા છે અને કેસર કેરીના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે.ત્યારે માવઠાની અસરથી ખેડૂતોને કેસર કેરીના ઉત્પાદનમાં અસર જોવા મળે તેમ કહ્યું હતું તેમજ જો આંબામાં પ્રાથમિક સ્ટેજ બાદ ફૂલ આવી ગયા બાદ જો ઝાકળ સાથે ભેજ અને પવનની ગતિ વધે તો પણ કેરીના પાકને નુકશાની થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.હાલ તો જે રીતે આંબાના બગીચામાં મોર ફૂટવાની શરૂઆત છે તે જોતા ખેડૂતો માટે સારા સમાચાર છે.
આંબા વાડીઓમાં જીવાતનો ઉપદ્રવ વધે તો નિયંત્રણ માટે ખેડૂતોએ શું કરવું?
ડિસેમ્બરથી જાન્યુઆરી સુધી આંબાના ઝાડ પર ફ્લાવરિંગ પ્રક્રિયા શરુ છે ત્યારે જો આંબાવાડિયુંમાં હાલ તો રોગનો ઉપદ્રવ નહિવત છે અને વાતાવરણ પણ અનુકૂળ છે પણ જો મધીઓ ઓપર નામની જીવાતનો ઉપદ્રવ વધે તેના માટે કૃષિ તજજ્ઞોની સલાહ મુજબ સ્પ્રે કરવો ખુબ જરૂરી છે તેમજ આંબાના બગીચામાં ભૂકીછારોની અસર દેખાઈ તો એના માટે ખેડૂતોએ ફૂગ નાશક દવાનો ઉપયોગ કરવાથી રોગને નિયંત્રણ કરી શકાય છે.આમ કેસર કેરીનું ઉત્પાદન વધારવું હોઈ તો ખેડૂતોએ સમયસર આંબાના બગીચાની જરૂરિયાત પ્રમાણે માવજત કરવી જરૂરી છે.જેનાથી કેસર કેરીની આવક વધશે અને ખેડૂતોને ખુબ સારો ફાયદો થશે તેમ સંજયભાઈ વેકરીયાએ જણાવ્યું હતું.