શાકભાજી અને કઠોળ બાદ હવે ફૂલના ભાવમાં ભડકો
વાવાઝોડા-વરસાદને કારણે માલ પલળી જતા ઉત્પાદકોથી લઈને છુટક વિક્રેતાઓને ફટકો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પાવનકારી ચાતુર્માસ અંતગર્ત અધિક પુરૂષોત્તમ માસના પ્રારંભથી ઈશ્વરની આરાધના માટેના અભિન્ન અંગ સમાન ફૂલના ભાવ સડસડાટ રીતે આસમાનને આંબી જતા શ્રધ્ધાળુઓમાં કચવાટ વ્યાપેલ છે. સૌરાષ્ટ્રમાં સતત વરસાદ શરૂ રહેતા અપુરતા ઉત્પાદન, આવકમાં ઘટાડો અને માંગમાં ડબલ વધારો થતા ગુલાબ, ગલગોટા સહિતના ફૂલના ભાવમાં બમણો ઉછાળો નોંધાયો છે.ચોમાસાની સિઝનમાં શાકભાજી અને કઠોળ બાદ હવે ફૂલના ભાવમાં ભડકો થયો છે.
છેલ્લા સપ્તાહથી સૌરાષ્ટ્રમાં રાજાધિરાજ મેઘરાજાની કૃપાદ્રષ્ટિ અવિરતપણે શરૂ રહેતા ફૂલના વ્યવસાયકારોને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વખત આવ્યો છે. આદ્યશકિતની આરાધના માટે અત્યંત આવશ્યક ગણાતા કુદરત કે પ્રકૃતિના અલભ્ય નજરાણા સમાન ફૂલ આરાધનાની ચોમેર મહેંક પ્રસરાવી રહેલ છે. ત્યારે સતત વરસાદ શરૂ રહેતા ફૂલની કળીઓમાં પણ પાણી ભરાતા ફૂલ ખરાબ થઈ રહ્યા છે. એટલુ જ નહીં જિલ્લામાં કેટલાક સ્થળોએ તો ગુલાબના પાકને પણ વિપરીત અસર થઈ છે. જેથી ગત સપ્તાહથી પ્રારંભાયેલા પવિત્ર પુરૂષોત્તમ માસના પ્રારંભથી જ ફૂલના ભાવ ઉછળ્યા છે.
અધિક પુરૂષોત્તમ માસ અને શ્રાવણ માસના અનુસંધાને ફૂલની ડિમાન્ડ વધવાની શકયતા હોય ત્યારે જ માલની આવકમાં ઘટાડો થતા ભાવ બમણા થતા ફૂલની ખરીદીમાં આંશિક ઘટાડો થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટની ફૂલ બજારમાં ફૂલનો માલ ઓછો આવે છે જેમાં વરસાદને લઈને માલ પલળેલો પણ આવતો હોય છે. અગાઉ ગુલાબ 450 રૂ. કિલો હતા જે હવે 200થી વધુ સાઇઝ અને ગુણવત્તા મુજબ મળે છે જયારે ગલગોટા અગાઉ 40 રૂ.ના કિલો મળતા હતા જે હવે 80થી 100ના ભાવે અને સફેદ ફૂલ 150થી વધુના ભાવે જથ્થાબંધ ભાવે મળે છે. જયારે સેવન્તીના ફૂલ 40 ટકા વધારે ભાવે વેચાય છે. પુરૂષોત્તમ માસના પ્રારંભથી પુષ્ટિમાર્ગીય હવેલીઓ સહિતના ધર્મસ્થાનકોમાં હિંડોળા ઉત્સવ શરૂ થયો હોય આ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો, મનોરથો, સત્સંગ પણ યોજાઈ રહ્યા હોય રૂટીન માંગમાં વધારો થઈ રહ્યો છે ત્યારે માંગની સામે જોઈતો પુરવઠો અપ્રાપ્ય હોય વિક્રેતાઓએ ફુલના ભાવમાં બમણો વધારો કર્યો છે.આ ભાવ વધારો આંશિક વધઘટ સાથે આગામી દિવાળીના તહેવાર સુધી યથાવત રહેશે તેવુ વિક્રેતાએ જણાવ્યું હતું.