બેંગ્લોર જતી ફલાઇટના એ.સી. યુનિટમાં આગ માલુમ પડતા તત્કાલ ઇમરજન્સી ઉતરાણ કરાવાયું
દિલ્હીથી બેંગ્લોર જતી એર ઇન્ડિયાની ફલાઇટમાં એરકંડીશન યુનિટમાં આગ માલુમ પડતા તાત્કાલીક પાટનગરમાં ઇમરજન્સી લેન્ડીંગ કરાવવામાં આવ્યું હતું જેને પગલે વિમાનમાં પ્રવાસ કરી રહેલા 175 મુસાફરોના શ્વાસ અધ્ધર થયા હતા જોકે તમામને સુરક્ષીત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
- Advertisement -
દિલ્હીના ઇન્દીરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટથી 175 પ્રવાસીઓ સાથેની એરઇન્ડિયાની ફલાઇટે સાંજે 6 વાગ્યે ઉડાન ભર્યુ હતું. અધવચ્ચે એરકંડીશન યુનિટમાં આગ માલુમ પડતા તાત્કાલીક વિમાનને પરત વાળવામાં આવ્યું હતું. દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડીંગ કરાવવામાં આવ્યું હતું. આ ઘટનામાં કોઇને ઇજા કે નુકસાન થયું નથી. માત્ર 38 મીનીટના ગાળામાં જ વિમાન પાછુ આવી ગયું હતું અને દિલ્હીમાં ઇમરજન્સી ઉતરાણ કરાવવામાં આવ્યું હતું.
એર ઇન્ડિયાની માઠી હોય તેમ સતત બે દિવસથી વિમાનોને નુકસાન થઇ રહ્યું છે. ગુરૂવારે દિલ્હી આવતુ વિમાન પુના એરપોર્ટ પર ટગ ટ્રક સાથે ટકરાઇ ગયું હતું. આ વખતે પણ વિમાનમાં 180 પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા અને તેમાં પણ સદનસીબે કોઇને ઇજા થઇ ન હતી. એરપોર્ટના અધિકારીએ જણાવ્યું હતું કે ટકકરના કારણે વિમાનના આગળના ભાગ અને લેન્ડીંગ ગીયર પાસેના ટાયરને નુકસાન થયું હતું. પ્રવાસીઓ તથા ક્રુ સભ્યો સુરક્ષીત હતા.