બિલખાના બેલા ગામે યુવકની હત્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢના બિલખા પોલીસ સ્ટેશન હેઠળના બેલા ગામે જૂની અદાવતને કારણે એક યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
બનાવની વિગત મુજબ, ગઈ તા. 23/08/2025 ના રોજ બેલા ગામ પાસે આવેલા બીલનાથ મહાદેવના મંદિર નજીક આ ઘટના બની હતી. ફરિયાદી ભાવેશભાઈ ભાનુશંકરભાઈ સાંકળીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આશરે દોઢ મહિના પહેલા તેમના કુટુંબી નીતિશ બચુભાઈને ગામના સંજય ગિરધરભાઈ તેરૈયા સાથે ઝઘડો થયો હતો. આ બાબતે બંને પક્ષે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. આ જૂના મનદુ:ખનો ખાર રાખીને આરોપી સંજય તેરૈયા, તેની પત્ની જાગૃતિબેન, તેના બે પુત્રો દર્શન અને જીગર, તેમજ ભાઈ દિલીપએ ભેગા મળીને ગેરકાયદેસર મંડળી રચી હતી. તેઓ છરી, લોખંડની ખીલાસળી અને લાકડાના ધોકા જેવા ઘાતક હથિયારો લઈને ફરિયાદીના ભાઈ અશ્વિન પર તૂટી પડ્યા હતા. આરોપી સંજય અને દર્શને છરી વડે અશ્વિનના માથાના પાછળના ભાગે અને કમરના ભાગે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. જ્યારે જીગર, દિલીપ અને જાગૃતિબેને પણ અન્ય હથિયારોથી અશ્વિનને માર માર્યો હતો. ગંભીર રીતે ઘાયલ અશ્વિનનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. આરોપીઓએ ફરિયાદી ભાવેશભાઈ અને તેમના ભાઈ નીતિશને પણ માર મારીને ઈજાઓ પહોંચાડી હતી. આ મામલે બિલખા પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સબ-ઈન્સ્પેક્ટર એચ.વી. ચુડાસમાએ આ ગુનાની વધુ તપાસ હાથધરી છે.