વિસાવદર મહિલા PSI વિરુદ્ધ અભદ્ર કોમેન્ટસનો મામલો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
થોડા દિવસો પહેલા વિસાવદર પોલીસ સ્ટેશનમાં આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા દ્વારા સરકારી અનાજ બારોબાર વેચી નાખવાના આક્ષેપ સાથે ફરિયાદ કરવા માટે ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન ફરજ પરના મહિલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઘટના બાદ, કેટલાક આપ સમર્થકો દ્વારા મહિલા પીએસઆઇના મોબાઇલ ફોન પર અભદ્ર અને અશોભનીય લખાણ તેમજ કોમેન્ટ્સ કરવામાં આવી હતી, જેના પગલે સમગ્ર મામલો ગરમાયો હતો.
- Advertisement -
મહિલા પીએસઆઇએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા, પોલીસે ટેકનિકલ સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે, એક વકીલ સહિત કુલ છ લોકો સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં રાજકોટના મનોજ ડાયાભાઈ વાઘેલા, જેતપુરના અરવિંદભાઈ સોંદરવા, સુરતના વિનોદભાઈ કોન્ટ્રાક્ટર, અમદાવાદના જેનતીભાઈ પટેલ અને વિસાવદરના રમેશભાઈ સાદડીયાનો સમાવેશ થાય છે. પકડાયેલા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી અને તમામના જેલ વોરંટ ભરીને તેમને જેલમાં મોકલી આપવાનો આદેશ આપ્યો હતો. જ્યારે, ભાવનગરમાં વકીલાત કરતા નીરજ ટીમણીયા વિરુદ્ધ પણ પુરાવા મળતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.આ ઘટનાએ પોલીસકર્મીઓ સામે સોશિયલ મીડિયા પર થતા દુરુપયોગ અને સાયબર બુલિંગના ગંભીર મુદ્દાને ફરી એકવાર સપાટી પર લાવ્યો છે. કાયદાનું પાલન કરાવતી સંસ્થાના કર્મચારીઓને આ રીતે બદનામ કરવાનો પ્રયાસ નિંદનીય છે અને કાયદા દ્વારા તેનું કડક પગલું લેવામાં આવ્યું છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.